
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણેમાં HPCLના LPG બોટલિંગ પ્લાન્ટના પરિસરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે હજારો ગેસ સિલિન્ડર નજીકની પાતાળગંગા નદીમાં તણાઈ ગયા હતા.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. રાયગઢની પાતાળગંગા નદીમાં આશરે 3 હજારથી વધુ LPG ગેસ સિલિન્ડર તણાતા જોવા મળ્યા છે. નદીમાં તરતા ગેસ સિલિન્ડરોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સૂત્રો અનુસાર, ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવણેમાં HPCLના LPG બોટલિંગ પ્લાન્ટ સંકુલમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીમાં વહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે તણાયેલા આશરે 3 હજાર સિલિન્ડરમાં કેટલાક ભરેલા હતા. જ્યારે કેટલાક ખાલી હતા.
ઘટનાની માહિતી મળતાં, જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. રાયગઢ જિલ્લા મેજિસ્ટ્રેટે નાગરિકોને અપીલ કરી છે કે નદીમાં અથવા તેના કિનારામાં તણાયેલા કોઈપણ ગેસ સિલિન્ડરની નજીક ન જાય અને તેને ઉપાડવાનો કે ઘરે લઈ જવાનો પ્રયાસ ન કરે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે હાલમાં તે સ્પષ્ટ નથી કે વહી ગયેલા સિલિન્ડરો ગેસથી ભરેલા છે કે તે કેટલા સુરક્ષિત છે. તેથી કોઈપણ સિલિન્ડરને સ્પર્શ કરવો, ખોલવો અથવા ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો અત્યંત જોખમી અને જીવલેણ પણ હોઈ શકે છે.
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ તણાઈને આવેલો ગેસ સિલિન્ડર જોવા મળે તો તરત જ સ્થાનિક પ્રશાસન અથવા સંબંધિત અધિકારીઓને જાણ કરો અને તેનાથી સુરક્ષિત અંતર જાળવો.
રાયગઢ વહીવટીતંત્રે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. અવિરત વરસાદ વચ્ચે પાતાળગંગા નદીમાં હજારો ગેસ સિલિન્ડર તરતા રહેતા રહેવાસીઓમાં ચિંતા વધી ગઈ છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી રહ્યું છે. લોકોને કોઈપણ સિલિન્ડર દેખાય તો તેનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.