
Maharashtra Political Crisis: છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. અજિત પવારના (Ajit Pawar) બળવા બાદ એનસીપીના (NCP) વડા શરદ પવારે મોરચો સંભાળ્યો છે. શરદ પવારે સતારામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, પરંતુ સમય આવશે ત્યારે બધા મારી સાથે હશે. શરદ પવારે કહ્યું કે આજથી બદલાવની શરૂઆત થઈ રહી છે, NCP વધુ મજબૂતાઈથી આગળ વધશે અને અમારી સાથે જનસમર્થન હશે. તેમણે કહ્યું કે જો આ પ્રેમ ચાલુ રહેશે તો પિક્ચર જરૂરથી બદલાશે. શરદ પવારે કહ્યું કે દેશમાં અલગ માહોલ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પાર્ટીના કાર્યકર્તાઓ હજુ પણ અમારી સાથે છે.
શરદ પવારે કહ્યું કે જયંત પાટીલ મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ છે, તેથી અજિત પવારની વાતનું કોઈ મહત્વ નથી. અજિત પવારે લીધેલો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. શરદ પવારને અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તે બધાના ભાવિનો નિર્ણય થશે, તેથી તેઓ તેના પર ટિપ્પણી કરશે નહીં.
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ મોદી થોડા દિવસ પહેલા એનસીપી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા હતા, પરંતુ હવે તે જ પાર્ટીના ધારાસભ્યોને સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. શરદ પવારે કહ્યું કે જે લોકોએ પાર્ટી છોડી છે તેમાંથી કોઈએ હજુ સધી મારી સાથે વાત કરી નથી.
આ પણ વાંચો : Maharashtra Politics: અજિત પવાર શિંદેનુ પદ છીનવી બનશે મહારાષ્ટ્રના સીએમ!- NCPમાં વિભાજન બાદ ઉદ્ધવ ટીમનો મોટો દાવો
અજિત પવારે બળવો કરી શિંદે-ભાજપ સરકાર સાથે હાથ મિલાવ્યા છે. અજિત પવાર પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. અજિત પવારને શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હાલ શરદ પવાર ધારાસભ્યોને પાર્ટીમાં પરત ફરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તો એકનાથ શિંદે એનસીપીના 8 નવા મંત્રીઓને પોર્ટફોલિયો આપવાની તૈયારી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો