મહારાષ્ટ્રમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા (BJP leader Kirit Somaiya) પર કથિત હુમલાના સંદર્ભમાં સોમૈયાએ પુણે પોલીસ કમિશનર (Pune Police Commissioner) અમિતાભ ગુપ્તાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે શિવસેનાના કાર્યકરોએ શનિવારે પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) ના પરિસરમાં તેમની હત્યા કરવાના ઈરાદાથી તેમના પર હુમલો કર્યો હતો. સોમૈયાએ હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોર્પોરેશન સ્થળ પરના બે પોલીસ કર્મચારીઓએ મારા પર હુમલો કરતા આરોપીઓને રોકવા માટે કંઈ કર્યું નહી.
પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાને સંબોધીને લખેલા પત્રમાં કિરીટ સોમૈયાએ તેમને PMC સુરક્ષા અધિકારીઓ સામે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત ન કરવા બદલ પગલાં લેવા પણ કહ્યું છે. ભાજપના પૂર્વ સાંસદે કહ્યું કે શિવસેનાના કાર્યકરોએ પથ્થરમારો કર્યો અને લાકડીઓ વડે હુમલો કર્યો.
બીજેપી નેતા કિરીટ સોમૈયાએ લખ્યું કે “મારી પાસે Z સુરક્ષા હોવાથી, મારી ઓફિસે મારી પુણેની મુલાકાત વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી. આવી સ્થિતિમાં પોલીસ સુરક્ષા પૂરી પાડવી જોઈતી હતી. તેના બદલે, કોર્પોરેશન સ્થળ પરના બે પોલીસ કર્મચારીઓએ મારા પર હુમલો કરતા રોકવા માટે કંઈ કર્યું નહીં.
સોમૈયાએ કહ્યું કે જ્યારે તેઓ પીએમસીમાં પ્રવેશ્યા ત્યારે રિસેપ્શનમાં બે લોકો હાજર હતા. પરંતુ જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. ભાજપના નેતાએ દસ્તાવેજી પુરાવા તરીકે ઘટનાની વીડિયો ક્લિપ રજૂ કરી છે. તે જ સમયે, આ કેસમાં, પુણે પોલીસે રવિવારે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં શિવસેનાના આઠ નેતાઓ વિરુદ્ધ FIR નોંધી હતી.
જેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે તેમાં શિવસેનાના પુણે જિલ્લા અધ્યક્ષ સંજય મોરે, ચંદન શાલુંકે, કિરણ સાલી, સૂરજ લોખંડે, આકાશ શિંદે, રૂપેશ પંવાર, રાજેન્દ્ર શિંદે અને શનિ ગાવટેનો સમાવેશ થાય છે. કોવિડ હોસ્પિટલની સ્થાપનામાં કથિત નાણાકીય ગેરરીતિઓ અંગે ફરિયાદ કરવા સમૈયા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ગયા હતા.
આ દરમિયાન શિવસેનાના નેતાઓએ તેમની સાથે કથિત રીતે મારપીટ કરી હતી. બીજી તરફ શિવસેનાના નેતાઓએ નિર્દોષ હોવાની દલીલ કરી છે કે તેઓ માત્ર કિરીટ સોમૈયા સાથે વાત કરવા માગતા હતા.