મહારાષ્ટ્રના દિગ્ગજ બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની (Narayan Rane) મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તેમને તેમના બંગલામાં ગેરકાયદે બાંધકામ માટે કારણ જણાવો નોટિસ મોકલી છે. અગાઉ બીએમસીના કેટલાક અધિકારીઓ જુહુમાં તેમના બંગલા ‘અધિશ’નું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેમને તેમના બંગલામાં કેટલાક બાંધકામ ગેરકાયદેસર જણાયા છે. આ ગેરકાયદે બાંધકામને લગતા મામલામાં તેમને કારણ જણાવો નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે નારાયણ રાણેનો જવાબ માંગવામાં આવ્યો છે. જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે નારાયણ રાણે આ નોટિસનો શું જવાબ આપે છે.
આ પહેલા શનિવારે નારાયણ રાણેને માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલિયાન કેસમાં તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તેમનું સ્ટેટમેન્ટ નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. નારાયણ રાણેએ નિવેદન આપ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાને આત્મહત્યા નથી કરી, પરંતુ ત્રણ-ચાર લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યાં દિશા સાલિયાનની હત્યા કરવામાં આવી હતી ત્યાં એક મંત્રી પણ તેના સુરક્ષા ગાર્ડ સાથે હાજર હતા.
નારાયણ રાણેએ શનિવારે રાત્રે અગિયાર વાગ્યે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કર્યા પછી મીડિયાને જણાવ્યું હતું કે દિશા સાલિયાનની માતાએ મુંબઈના મેયર અને શિવસેનાના નેતા કિશોરી પેડનેકરના કહેવા પર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તે પોતાના નિવેદન પર અડગ છે. તેમણે કહ્યું કે તેમને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બે વાર ફોન કરીને એ કહેવા માટે ના પાડી હતી કે, કે તેઓ એવું નિવેદન ન આપે કે દિશાની હત્યા સમયે એક મંત્રી ત્યાં હાજર હતા.
21 ફેબ્રુઆરીએ BMCની ટીમ મુંબઈના જુહુમાં નારાયણ રાણેના અધીશ નામના બંગલાની તપાસ કરવા પહોંચી હતી. આ ટીમમાં BMCના નવ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમે બે કલાક સુધી રાણેના બંગલાની તપાસ કરી. આ પછી રાણેના અધીશ બંગલામાં ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (FSI)નું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
રાણેએ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધા વિના બંગલામાં કેટલાક ફેરફારો કર્યા છે, આ ફરિયાદ RTI કાર્યકર્તા સંતોષ દાઉદકરે BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલને કરી હતી. રાણેના બંગલાની તપાસ કર્યા બાદ મ્યુનિસિપલ ટીમે તેને લગતા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. બંગલાની તપાસ બાદ તેને લગતો રિપોર્ટ કમિશનર ચહલને મોકલવામાં આવ્યો હતો. આ પછી રાણેને કારણ જણાવો નોટિસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજ્યપાલ બંને પવારના નિશાના પર, પીએમ મોદીની હાજરીમાં ડેપ્યુટી સીએમએ ઘેર્યા, શરદ પવારે પણ કર્યા પ્રહાર
Published On - 11:54 pm, Sun, 6 March 22