Mumbai Rain : પહેલા જ વરસાદમાં પુણે શહેર ભરાઈ ગયું, અજિત પવારે કહ્યું- ઘરની બહાર ન નીકળો

પ્રી-મોન્સૂનના પહેલા જ વરસાદમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાઈ ગયા છે. શહેરમાં કેટલીક જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વિસ્તારમાં આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

Mumbai Rain : પહેલા જ વરસાદમાં પુણે શહેર ભરાઈ ગયું, અજિત પવારે કહ્યું- ઘરની બહાર ન નીકળો
| Updated on: Jun 09, 2024 | 8:36 AM

મહારાષ્ટ્રના પુણે શહેરમાં પ્રિ-મોન્સુન વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ પહેલા જ વરસાદમાં શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. હવામાનની આગાહી કરતી વખતે પુણે વેધશાળાએ કહ્યું હતું કે, શનિવારે પુણેમાં ભારે વરસાદ પડી શકે છે. શનિવારે સાંજે જ ઘણી જગ્યાએ જોરદાર વાવાઝોડા સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોની અવરજવર પર અસર પડી છે.

ઘરમાં ભરાયા પાણી

પુણે શહેરના શિવાજી નગર, જેએમ રોડ, હડપસર, સિંહગઢ રોડ વિસ્તાર, વારજેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. શહેરમાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે 25 જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. આ ઉપરાંત શહેરના યરવડા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઘરોમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત છે. માત્ર એક કલાકમાં શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.

રસ્તાઓ નદી બની ગયા

પુણેના ઘણા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ હાલમાં પાણીમાં ડૂબી ગયા છે અને નદીઓનું સ્વરૂપ લઈ લીધું છે. હાલ આ સ્થિતિ આગામી 4-5 દિવસ સુધી રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના આ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. ચોમાસું હાલ મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે મુંબઈ અને કોંકણના દરિયાકાંઠે પહોંચ્યું નથી. આગામી બે-ત્રણની અંદર ચોમાસું મુંબઈ અને બાકીના મહારાષ્ટ્રમાં પહોંચી શકે છે.

અજિત પવારે ટ્વીટ કર્યું

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને પુણે જિલ્લાના પાલક મંત્રી અજિત પવારે લોકોને ભારે વરસાદ અને જળબંબાકારને ધ્યાનમાં રાખીને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. પવારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે કોર્પોરેશન કમિશનર અને પુણે જિલ્લાના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી છે.

વરસાદમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર બ્રિગેડના જવાનો, SDRF અને બચાવ ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. અજિતે વહીવટી અધિકારીઓને તાત્કાલિક ટ્રાફિકને સુવ્યવસ્થિત રીતે શરૂ કરવા અને વરસાદમાં ફસાયેલા નાગરિકોને મદદ કરવા સૂચના આપી છે.