
મહારાષ્ટ્રના શક્તિશાળી નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું આજે સવારે બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થવાથી મહારાષ્ટ્ર સહીત સમગ્ર રાજકીય જગત શોકમાં ડૂબી ગયું છે. અજીત પવારના એકાએક નિધન થવાથી, તેમના રાજકીય વારસા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ભવિષ્ય વિશે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અજીત પવારના પરિવારનુ નામ, ખાસ કરીને તેમની પત્ની સુનેત્રા પવાર અને મોટા પુત્ર પાર્થ પવાર, હવે 66 વર્ષીય “દાદા” દ્વારા છોડવામાં આવેલી ખાલી જગ્યા ભરવા માટે ચર્ચાના કેન્દ્રમાં છે. આ બન્ને સિવાય પણ એનસીપીના બીજી હરોળના ગુજરાતી નેતા એવા પ્રફુલ્લ પટેલનું પણ નામ સામે આવ્યું છે. તો અજીત દાદાની પિતરાઈ બહેન સુપ્રિયા સુલે, બધા ધારાસભ્યો અને કોર્પોરેટરેનો સમય આવ્યે પાછા શરદ પવાર જૂથમાં લઈ જઈ શકે છે. કારણ કે, અજીત પવારની સાથે રાજકીય અને સામાજીક રીતે સંપર્કમાં શરદ પવારની સરખામણીએ સુપ્રિયા સુલે હતી.
રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવારને હવે એનસીપી અજીત પવાર જૂથ અને પરિવારને એક સાથે રાખનાર કેન્દ્રિય બિંદુ તરીકે જોવામાં આવે છે. તેઓ એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઈન્ડિયાના સીઈઓ અને બારામતી ટેક્સટાઈલ કંપનીના અધ્યક્ષ તરીકે સક્રિય રહ્યા છે. ભલે તેઓ બારામતીથી લોકસભાની ચૂંટણી હારી ગયા હોય, પરંતુ હાલમાં તેમને રાજ્યસભા સભ્ય તરીકેનો અનુભવ છે. પક્ષના કાર્યકરો આજે સર્જાયેલ રાજકીય શુન્યવકાશની સ્થિતિમાં તેમને એક “સ્થિર રક્ષક” તરીકે જુએ છે. જે અજિત દાદાના સમર્થકો અને શરદ પવાર કુળ વચ્ચે સામાજીક અને રાજકીય કડી તરીકે કામ કરી શકે છે.
અજિત પવારના મોટા પુત્ર, પાર્થ પવાર, ઉત્તરાધિકારની રેસમાં પણ સૌથી આગળ છે, જોકે તેમની રાજકીય કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ, પાર્થે લો પ્રોફાઇલ જાળવી રાખી છે. 2025માં પુણેમાં મુંધવા જમીન સોદા અંગે પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. આજની વિમાન દુર્ઘટના બાદ, સમર્થકોનો એક મોટો વર્ગ ઇચ્છે છે કે, હવે પાર્થ પવારના નામે રાજકીય ચમક અને તેમના દાદાના વારસાને જાળવી રાખવા માટે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.
અજિત પવાર 2023 માં તેમના કાકા શરદ પવારથી અલગ થઈ ગયા હતા અને એનસીપીના બે ભાગ કરીને ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાયા હતા. હવે, અજીત પવારના નિધનથી મહાયુતિ (ભાજપ-સેના-એનસીપી) માં સત્તાનું સંતુલન ખોરવાઈ શકે છે. સુનેત્રા અને પાર્થ પવાર, તેમના પરિવારના મોભી અને એનસીપી શરદ જૂથના શરદ પવાર સાથે ભવિષ્યના સંબંધોમાં અને પક્ષના સંગઠનાત્મક માળખાના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજકીય વિશ્લેષકોના મતે, “અજિત દાદા માત્ર એક નેતા નહોતા, પરંતુ તેઓ એક સંસ્થા હતા. તેમના મોત પછી, પરિવારની એકતા જ, પાર્ટીનું ભવિષ્ય નક્કી કરશે. આગામી દિવસોમાં બારામતીના સહકારી ચળવળ અને રાજકીય વર્તુળની કમાન કોણ સંભાળશે તે જોવું રસપ્રદ રહેશે.”