
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે મુસ્લિમ આરક્ષણની માગ પણ સતત જોર પકડી રહી છે. મરાઠા સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) કેટેગરી હેઠળ અનામતની માગ કરી રહ્યો છે. જેના કારણે અનામત નીતિઓ પર ચર્ચા અને બબાલ થઈ રહી છે. ગઈ કાલે મુંબઈમાં પણ મુસ્લિમ અનામતને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશભરમાંથી મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મંત્રી નસીમ ખાને પણ બેઠકમાં ભાગ લીધો હતો.
કોંગ્રેસ નેતા નસીમ ખાને કહ્યું કે, સરકાર મુસ્લિમ આરક્ષણ પર કંઈ બોલી રહી નથી. મરાઠા આરક્ષણની સાથે-સાથે મુસ્લિમ આરક્ષણનો પણ પ્રશ્ન હતો. મરાઠા આરક્ષણની માંગ કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ ગઈ અને મુસ્લિમ આરક્ષણની માગ ચાલુ રહી. તેઓ સમયાંતરે તેમની માંગણીઓ રજૂ કરતા રહ્યા છે. નસીમ ખાનનું કહેવું છે કે, મુસ્લિમ આરક્ષણ ધર્મના નામે નહીં, પરંતુ આર્થિક અને સામાજિક સ્થિતિ અને પછાતપણાના આધારે માંગવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં મુસ્લિમ આરક્ષણની માગનું મૂળ મુસ્લિમ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતી સામાજિક-આર્થિક અસમાનતા અને ઐતિહાસિક અન્યાયમાં છે. સમર્થકો એ એવી દલીલ કરી છે કે રાજ્યમાં મુસ્લિમો સામાજિક અને આર્થિક ગેરલાભોનો સામનો કરે છે. જેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની મર્યાદિત પહોંચનો સમાવેશ થાય છે. ઐતિહાસિક રીતે, માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ ભારતના ઘણા એરિયા એવા છે જ્યાં મુસ્લિમ સમુદાયે ભેદભાવનો સામનો કર્યો છે.
અનામતની માગણી કરી રહેલા મુસ્લિમ લોકોનું કહેવું છે કે તેમને સરકારી નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સામાજિક સ્તરોમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અનામત મુસ્લિમ સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપશે અને તેમને રાજકીય રીતે પણ સશક્ત બનાવશે. આનાથી સમાજનો ઉત્કર્ષ પણ થઈ શકે છે. મુંબઈની બેઠકમાં ચર્ચા થયા મુજબ અનામતની માગ વાસ્તવમાં આર્થિક અને સામાજિક મોરચે છે. જેનાથી આ સમાજનો વિકાસ પણ થઈ શકે છે. સમર્થકો દલીલ કરે છે કે આરક્ષણથી વંચિત રહેલા મુસ્લિમ સમુદાયોને શિક્ષણ, રોજગાર અને અન્ય સંસાધનોની વધુ સારી ઍક્સેસ હોઈ શકે છે.
નસીમ ખાને જણાવ્યું કે અનુસાર કોંગ્રેસ સરકાર દ્વારા 5 ટકા આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું, જેને બોમ્બે હાઈકોર્ટે પણ સ્વીકાર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે ધાર્મિક આધાર પર અનામત આપવામાં આવશે તેવું કહીને રદ્દ કરી દીધું. તેમણે કહ્યું કે જેઓ વર્ષોથી અનામત માટે લડી રહ્યા છે અને વિવિધ જાતિઓ માટે અનામતની માગ કરી રહ્યા છે તેઓ સારી રીતે પોતે જાણે છે કે જ્યાં સુધી 50% અનામતની શરત હળવી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ સમુદાયને અનામત મળી શકશે નહીં, કોઈ ફાયદો થવાનો નથી.