
મહારાષ્ટ્રમાં મહાદેવી હાથણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટના આદેશ પર ‘મહાદેવી’ હાથણીને મહારાષ્ટ્રના કોલ્હાપુરના નંદિની મઠથી ગુજરાતના જામનગરના વનતારા મોકલવામાં આવી છે. આ નિર્ણય બાદ વિરોધનો વંટોળ સર્જાયો છે. હવે લોકો મહાદેવીને મહારાષ્ટ્રથી ગુજરાતમાં દેશવટો આપવા રસ્તા પર ઉતર્યા છે. મહાદેવીને પરત લાવવાની માગ સાથે કોલ્હાપુરના 700થી વધુ ગામના લોકોએ ખાનગી ટેલિકોમ કંપનીના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. નિર્ણયથી નાખુશ ગ્રામજનોએ ખાનગી કંપનીના સિમકાર્ડ પોર્ટ કરાવીને વિરોધ દર્શાવી રહ્યા છે. તો મહાદેવીના મહાવતે પણ આ નિર્ણય સામે દુઃખ વ્યક્ત કર્યું છે.
મહત્વનું છે કે જ્યારે મહાદેવી હાથણીને નંદની મઠથી વનતારા લઈ જવાતી હતી ત્યારે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે નંદિની મઠ પર લોકોને ઊંડો વિશ્વાસ છે. આ મઠ 1200 વર્ષથી પણ વધુ જૂનો છે. તો બીજી તરફ સ્થાનિક કક્ષાએ વિરોધ પ્રદર્શન સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના મંત્રીએ હાથણીને પરત લાવવાની ખાતરી આપી છે. ત્યારે આ ખાતરી બાદ ગ્રામજનોનો વિરોધ ઠારવામાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.
આખરે સમગ્ર વિવાદ શું છે તે અંગે વાત કરીએ તો 36 વર્ષીય મહાદેવી હાથણી છેલ્લા 33 વર્ષથી નંદિની મઠના ધાર્મિક કાર્યક્રમોનો અભિન્ન ભાગ છે. જો કે હાથણીની સ્થિતિ ગંભીર હોવાનો PETA ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં દાવો કર્યો. PETA દ્વારા કેટલાક રિપોર્ટસ રજૂ કરાયા હતા. સાથે જ કેટલાંક પશુ ચિકિત્સકોના રિપોર્ટ પણ જોડવામાં આવ્યા હતા. જેમાં મહાદેવીને પગમાં સડો, નખમાં ઈજા, એકાકીપણાં જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરાયો હતો. તેમજ જણાવાયું હતું કે તેને સારી સારવારની જરૂર છે. 16 જુલાઈ, 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટે આદેશ જાહેર કરતાં કહ્યું કે ધાર્મિક આસ્થાથી ઉપર પશુ કલ્યાણને પ્રાથમિકતા અપાશે અને મહાદેવી હાથણીને જામનગર સ્થિત વનતારા મોકલવાનો નિર્ણય જાહેર કરાયો. મઠ દ્વારા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. પરંતુ 28 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. 29 જુલાઈ, 2025ના રોજ મહાદેવીનું સ્થળાંતર કરાતા પરિસ્થિતિ વણસી હતી.
10,000થી વધુ લોકો એકઠા થયા હતા. પથ્થરમારો પણ થયો હતો. જેમાં 10 પોલીસકર્મી સહિત PETAના કાર્યકર્તાઓ પણ ઈજાગ્રસ્ત થયા. હાલ મહાદેવીના સ્થળાંતર મુદ્દે કોલ્હાપુરના 700થી વધુ ગામના લોકો વિરોધમાં ઉતર્યા છે. અને મહાદેવીને નંદિની મઠમાં પરત લાવવાની માંગ ઉગ્ર બની છે.
માધુરી હાથણીના કોલ્હાપુર સ્થાંતરણ મુદ્દે વનતારાએ નિવેદન આપતાં જણાવ્યું કે મહાદેવી (માધુરી) પ્રત્યે શ્રદ્ધા અને આધ્યાત્મિક લાગણીઓનો તેઓ આદર કરે છે. વનતારાએ સ્પષ્ટ કર્યું કે માધુરીના સ્થાનાંતર માટેનો નિર્ણય તેમનો ન હતો, પરંતુ બોમ્બે હાઈકોર્ટના આદેશ અને સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ કાનૂની ફરજના રૂપમાં આ પગલું ભરાયું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માધુરીના સ્વાસ્થ્ય અને સુખાકારીનું રક્ષણ છે.
આ સમગ્ર પ્રક્રિયા પ્રેમ, જવાબદારી અને કાયદાકીય માપદંડો સાથે કરવામાં આવી હતી. જનતા તરફથી મળેલા ભાવનાત્મક પ્રતિસાદને વંતારાએ સહાનુભૂતિપૂર્વક સ્વીકાર્યો છે અને મઠ સાથે સંવાદ શરૂ કર્યો છે. વનતારાએ કાનૂની, નૈતિક અને પશુચિકિત્સા ધોરણોને આધારે માધુરીના ભવિષ્ય માટે તમામ શક્ય વિકલ્પો પર વિચારો કરવાની પણ ખાતરી આપી છે.