
મહારાષ્ટ્રમાં ફટાકડાના કારણે આગ લાગવાની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. થાણે અને નવી મુંબઈમાં બનેલી આ ઘટનાઓને પગલે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
થાણેના રાહીજા ગાર્ડન સોસાયટીમાં 8મા, 9મા અને 10મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા રાહીજા ગાર્ડન સોસાયટી ખાતે પહોંચ્યા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ રહેવાસીઓને વીડિયો કૉલ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ સુરક્ષિત રીતે બિલ્ડિંગની અગાસી (ટેરેસ) પર પહોંચી જાય.
બીજી તરફ, નવી મુંબઈના તુર્ભે સેક્ટર-21માં આવેલા એક શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી સોફા બનાવવાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક આશંકા મુજબ, ફટાકડાનું રોકેટ દુકાનમાં પ્રવેશતાં આગ લાગી હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. બંને ઘટનાઓને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Published On - 11:53 pm, Sun, 8 November 26