શિવસેનાના નામ બાદ હવે મહારાષ્ટ્રમાં વ્હીપ પર ઘમાસાણ… એકનાથ શિંદેએ કહ્યું- બે તૃતીયાંશ ધારાસભ્યો મારી સાથે, અન્ય કોઈ ન આપી શકે આદેશ
એકનાથ શિંદેએ (Eknath Shinde) આ વ્હીપ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. એકનાથ શિંદેનું કહેવું છે કે તેમની પાસે શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોની બહુમતી છે. તેથી તેઓ વ્હીપનું પાલન કરવા બંધાયેલા નથી.
મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરની ચૂંટણી (Maharashtra Assembly Speaker Election) પહેલા ફરી એકવાર શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે જંગ છેડાઈ ગયો છે. શિવસેના દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યા છે અને શિવસેનાના તમામ ધારાસભ્યોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા અને મહા વિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને મત આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ (Eknath Shinde) આ વ્હીપ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. એકનાથ શિંદેનું કહેવું છે કે તેમની પાસે શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોની બહુમતી છે. તેથી તેઓ વ્હીપનું પાલન કરવા બંધાયેલા નથી.
પરંતુ શરદ પવારે એમ કહીને પેચ ફસાવી દીધો છે કે તમામ ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપનું પાલન કરવું જરૂરી છે. જો એકનાથ શિંદે જૂથ હજુ પણ પોતાને શિવસૈનિક માને છે તો તેઓએ પોતાના પક્ષનો વ્હીપ માનવો પડશે. આવતીકાલે (3 જુલાઈ, રવિવાર) વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપના રાહુલ નાર્વેકર અને મહા વિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર વિરાજન સાલ્વી વચ્ચે મુકાબલો છે. રાજન સાલ્વી રાજાપુરથી શિવસેનાના ધારાસભ્ય છે અને રાહુલ નાર્વેકર મુંબઈના ધારાસભ્ય છે. એકનાથ શિંદેના આ આક્રમક વલણને જોતા એવું લાગે છે કે 3જી જુલાઈએ યોજાનારી સ્પીકરની ચૂંટણી 10મી જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અને 20મી જૂને વિધાન પરિષદની ચૂંટણી જેટલી જ રસપ્રદ બનવાની છે.
એકનાથ શિંદે આક્રમક બન્યા, સ્પીકરની ચૂંટણી રસપ્રદ બની
એકનાથ શિંદે જૂથની દલીલ છે કે 55 ધારાસભ્યોમાંથી 39 શિવસેના ધારાસભ્યો શિંદે કેમ્પમાં છે. તેથી, ઉદ્ધવ ઠાકરેની છાવણીને વ્હીપ જાહેર કરવાનો અધિકાર નથી. શિવસેનાના નેતા સુનીલ પ્રભુએ પોતાના અધિકારથી આગળ વધીને પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે. એકનાથ શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોને આ કોઈપણ રીતે લાગુ પડતું નથી. તેઓ તેને સ્વીકારવા માટે બંધાયેલા નથી.
‘ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર સફળ થશે, બહુમતી અમારી સાથે છે’
એકનાથ શિંદેએ કહ્યું, ‘અમે અમારી બહુમતી સાબિત કરવાના છીએ. માત્ર ઔપચારિકતા બાકી છે. અમારી પાસે 120 અને 50 એટલે કે 170 ધારાસભ્યો છે. જીત આપણી જ થશે. જીત રાહુલ નાર્વેકરની થશે. તેઓ ગોવાથી પોતાના સમર્થકો સાથે મુંબઈ જવા રવાના થતા સમયે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે પણ કહ્યું છે કે જ્યારે બે તૃતીયાંશ ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે છે, તો શિંદે સેના જ વાસ્તવિક શિવસેના છે. બીજું કોઈ અમને આદેશ આપી શકે નહીં.