
રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં આવતી અને સૌથી ઝડપથી ગંદી થતી વસ્તુઓમાં કિચનના ડ્રોઅરનો સમાવેશ થાય છે. ખાસ કરીને લાકડાના ડ્રોઅરમાં ખોરાકના ટુકડા, તેલના ડાઘ, ભેજ અને ધૂળ સરળતાથી જમા થઈ જાય છે. સમયસર સફાઈ ન કરવામાં આવે તો દુર્ગંધ, ફૂગ અને ફર્નિચરને નુકસાન જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

આ સમસ્યાનો એક સરળ, સસ્તો અને અસરકારક ઉપાય તરીકે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો રસોડાના ડ્રોઅરની અંદર એલ્યુમિનિયમ ફોઇલ પાથરીને તેને સુરક્ષિત રાખે છે.

ડ્રોઅરમાં એલ્યુમિનિયમ ફોઇલ પાથરવાનો શું ફાયદો? એલ્યુમિનિયમ ફોઇલ એક રક્ષણાત્મક સ્તર તરીકે કામ કરે છે. તે ડ્રોઅરની સપાટી અને ખોરાકના કણો, તેલ અથવા અન્ય ગંદકી વચ્ચે અવરોધ ઊભો કરે છે. તેના કારણે ગંદકી સીધી લાકડાની સપાટી પર ચોંટતી નથી અને સફાઈ કરવી પણ સરળ બની જાય છે. આ ઉપરાંત ભેજ લાકડામાં જવા દેતી નથી, જેના કારણે ફર્નિચર ફૂલી જવાની અથવા ફૂગ લાગવાની શક્યતા પણ ઘટી જાય છે. ખાસ કરીને રસોડામાં જ્યાં સતત ભેજ અને તેલનો સંપર્ક રહે છે ત્યાં આ ઉપાય ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

એલ્યુમિનિયમ ફોઇલ કેવી રીતે લગાવવું? સૌ પ્રથમ ડ્રોઅરને સંપૂર્ણ ખાલી કરી લો. અંદર રહેલી ધૂળ અને ગંદકી સાફ કરીને તેને સંપૂર્ણ રીતે સુકાઈ જવા દો. ત્યારબાદ ડ્રોઅરના માપ મુજબ એલ્યુમિનિયમ ફોઇલ કાપી લો. ફોઇલને તેની ચમકદાર બાજુ ઉપર રહે તે રીતે ડ્રોઅરની અંદર પાથરો. તેને હળવેથી દબાવીને સમતલ કરી દો જેથી કોઈ હવાના બબલ્સ ન રહે. ત્યારબાદ જરૂરી સામાન ફરીથી ડ્રોઅરમાં ગોઠવી શકાય છે.

કેટલા સમય પછી બદલવું જોઈએ? આ માટે કોઈ ગુંદર અથવા ખાસ ચીજવસ્તુની જરૂર પડતી નથી. ડ્રોઅરના ઉપયોગ અને ગંદકીના પ્રમાણ પ્રમાણે ફોઇલ બદલવી જોઈએ. સામાન્ય રીતે મહિને એક વખત નવી ફોઇલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. આ નાની અને સરળ ટ્રિક રસોડાના ડ્રોઅરને લાંબા સમય સુધી સ્વચ્છ, દુર્ગંધમુક્ત અને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બની શકે છે.