
આજના સમયમાં લોકો વજન ઘટાડવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો યોગ દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, તો કેટલાક લોકો વેટ લોસ માટે સ્વિમિંગનો સહારો લે છે.
વજન ઘટાડવા માંગતા લોકો અને ફિટનેસ ફ્રીક્સ વચ્ચે આ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આમાં સાંધા પર કોઈ પણ પ્રકારનું પ્રેશર આવ્યા વિના ઝડપથી કેલરી બર્ન કરી શકાય છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ રહે છે કે, રોજ એક કલાક સ્વિમિંગ કરવાથી કેટલી કેલરી બર્ન થાય છે?
જો કોઈ વ્યક્તિ 1 કલાક સ્વિમિંગ કરે છે, તો તે લગભગ 400 થી 700 કેલરી સુધી બર્ન કરી શકે છે. જો કે, આ બાબત વ્યક્તિના વજન પર પણ આધાર રાખે છે. ફિઝિક્સના નિયમ અનુસાર, ભારે શરીરને પાણીમાં આગળ ધકેલવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે.
આથી, વધારે વજન ધરાવતા લોકો તેટલા જ સમયમાં ઓછું વજન ધરાવતા લોકોની સરખામણીએ વધુ કેલરી બર્ન કરે છે. ઉદાહરણ તરીકે, એક 60 કિલોગ્રામની વ્યક્તિ જેટલી કેલરી બર્ન કરશે, 80 કિલોગ્રામની વ્યક્તિ તેનાથી ક્યાંય વધુ કેલરી બર્ન કરશે.
તમે પાણીમાં કેટલી મહેનત કરી રહ્યા છો, તે સૌથી વધુ મહત્વનું છે. જો તમે આરામથી, ઓછી સ્પીડમાં સ્વિમિંગ કરી રહ્યા છો, તો 1 કલાકમાં લગભગ 400 થી 500 કેલરી બર્ન થઈ શકે છે. જો તમે અટક્યા વિના, ઝડપી ગતિએ લેપ્સ (laps) પૂરા કરી રહ્યા છો, તો આ આંકડો 600 થી 700+ કેલરી સુધી પહોંચી શકે છે.
તમે કઈ સ્ટાઈલમાં તરી રહ્યા છો, તેની પણ કેલરી પર સીધી અસર પડે છે. જો તમે બટરફ્લાય સ્ટ્રોકમાં સ્વિમિંગ કરો છો, તો તેમાં સૌથી વધુ તાકાત લાગે છે અને તે 1 કલાકમાં લગભગ 700 થી 800 કેલરી સુધી બર્ન કરી શકે છે.
બીજીબાજુ, ફ્રી-સ્ટાઈલ અથવા ક્રોલ પ્રતિ કલાક લગભગ 500 થી 600 કેલરી બર્ન કરે છે. આ સિવાય બ્રેસ્ટસ્ટ્રોક અને બેકસ્ટ્રોક કરવાથી લગભગ 400 થી 500 કેલરી બર્ન થાય છે.