
મોટાભાગના લોકો ઘઉંની રોટલી જ ખાય છે. ઘઉંના લોટમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે અને પ્રોટીનનું પ્રમાણ બિલકુલ નહિવત્ હોય છે. જો કે, ભોજનમાં પ્રોટીનનું યોગ્ય પ્રમાણ હોવું અત્યંત જરૂરી છે, નહીંતર સ્નાયુઓ નબળા પડવા લાગે છે.
જો તમે પણ તમારા ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માંગતા હોવ, તો તમારા લોટમાં કેટલાક સ્માર્ટ ફેરફાર કરીને રોટલીને પણ પ્રોટીનથી ભરપૂર બનાવી શકો છો. હવે સવાલ એ કે, તમે તમારી રોટલીમાં પ્રોટીનનું પ્રમાણ કેવી રીતે વધારી શકો છો?
રોટલીમાં પ્રોટીન વધારવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તમે તેમાં કેટલાક અનાજ અને કઠોળ ભેળવી દો. તેનાથી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ પણ વધશે અને પ્રોટીનના પ્રમાણમાં પણ સુધારો થશે.
એક કિલો ઘઉંના લોટમાં 200 ગ્રામ શેકેલા ચણાનો લોટ અથવા સત્તુ ભેળવી શકાય છે. તેનાથી રોટલીનો સ્વાદ પણ સારો થઈ જાય છે અને પ્રોટીનનું પ્રમાણ પણ સરળતાથી વધી જાય છે.
આ ઉપરાંત, સોયાબીનનો લોટ પણ વાપરી શકાય છે. સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. એક કિલો ઘઉંના લોટમાં 100 ગ્રામ સોયાબીનનો લોટ ભેળવો. તમે ઈચ્છો તો, સોયાબીનના લોટનું પ્રમાણ વધારી પણ શકો છો પરંતુ વધુ પ્રમાણમાં ભેળવવાથી રોટલી કડક થઈ શકે છે.
રોટલીમાં પ્રોટીન વધારવા માટે તમે ઘઉંના લોટમાં ચણાનો લોટ (બેસન) અથવા જુવાર અને બાજરી જેવા બરછટ અનાજનો લોટ પણ ભેળવી શકો છો. તેનાથી પણ લોટનું પોષણ વધી જાય છે.
લોટમાં પ્રોટીન વધારવા માટે તમે કેટલાક બીજનો પણ ઉપયોગ કરી શકો છો. કોળાના બીજ પ્રોટીનની સાથે-સાથે ઝિંકથી પણ ભરપૂર હોય છે. તેને હળવા શેકીને વાટી લો અને લોટમાં ભેળવી દો. આ ઉપરાંત, બીજને પણ શેકીને લોટમાં ભેળવી શકાય છે. તે ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ્સથી પણ ભરપૂર હોય છે.
આ ખૂબ જ સરળ રીતોથી તમે તમારી રોટલીમાં પ્રોટીનના પ્રમાણને વધારી શકો છો. આમાં બસ એ બાબતનું ધ્યાન રાખો કે, જો તમને ડાયાબિટીસ જેવી કોઈ બીમારી હોય, તો ડાયટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લઈ લો.