
Natural Dhoop Batti Tips : ઘરમાં દરરોજ થતી પૂજા હોય કે દિવાળી જેવા તહેવારો, ફૂલોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ખાસ કરીને ગલગોટા અને ગુલાબના ફૂલ પૂજા તથા ભગવાનને અર્પણ કરવા માટે વપરાય છે. જોકે પૂજા પૂર્ણ થયા પછી આ ફૂલોને મોટાભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ હવે તમારે આવું કરવાની જરૂર નથી. આ વધેલા ફૂલોનો ઉપયોગ કરીને તમે ઘરે જ સુગંધિત નેચરલ ધૂપબત્તી બનાવી શકો છો.
ધૂપબત્તી બનાવવા માટે સૌથી પહેલાં પૂજામાં વપરાયેલા ગલગોટા, ગુલાબ સહિતનાં ફૂલોની પાંખડીઓ અલગ કરી લો. ત્યારબાદ તેને સારી રીતે તડકામાં સૂકવી લો. ફૂલોમાં ભેજ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે ભેજવાળા ફૂલોમાંથી યોગ્ય પાવડર તૈયાર થઈ શકતો નથી.
આ ધૂપબત્તી બનાવવા માટે સૂકવેલા ફૂલો, નારિયેળના સૂકા રેસા, લવિંગ, તજ, કપૂર, ભીમસેની કપૂર, તમાલપત્ર, ચંદન પાવડર, દેશી ઘી અને ગુલાબજળની જરૂર પડશે. આ બધી સામગ્રી સરળતાથી ઘરે મળી શકે છે.
સૌથી પહેલાં સૂકવેલા ફૂલો, નારિયેળના રેસા, લવિંગ, તજ, કપૂર, ભીમસેની કપૂર અને તમાલપત્રને મિક્સરમાં નાખીને બારીક પીસી લો. ત્યારબાદ આ મિશ્રણને ચાળી લો, જેથી મોટા ટુકડા અલગ થઈ જાય.
હવે તેમાં ચંદન પાવડર, થોડું દેશી ઘી અને ગુલાબજળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને લોટની જેમ બાંધી લો. ત્યારબાદ હાથની મદદથી તેમાંથી નાની-નાની ધૂપ કોન તૈયાર કરો.
તૈયાર કરેલી ધૂપબત્તીઓને ટ્રેમાં ગોઠવીને તડકામાં સૂકવવા મૂકો. તેને આશરે 12 દિવસ અથવા સંપૂર્ણપણે કડક થાય ત્યાં સુધી સૂકવવી જરૂરી છે. ત્યારબાદ તેને હવાચુસ્ત ડબ્બામાં ભરીને રાખી શકાય છે.
આ રીતે પૂજામાં વપરાયેલા ફૂલોનો ઉપયોગ કરીને તમે ઘરે જ સુગંધિત ધૂપબત્તી બનાવી શકો છો. જોકે ધૂપબત્તી સળગાવતી વખતે હવાની અવરજવર રહે તેનું ધ્યાન રાખવું અને સળગતી ધૂપને ક્યારેય એકલી ન છોડવી.
આ પણ વાંચો : ટ્રેનમાં ટિકિટ વિના એકલી મુસાફરી કરતી મહિલા સાથે TTE નહીં કરી શકે મનમાની! જાણો રેલવેનો ખાસ નિયમ