
નકલી ચલણી નોટો પકડાઈ હોવાના સમાચારો તો વારંવાર સામે આવતા રહે છે, પરંતુ હવે બજારમાં નકલી સિક્કાઓ પણ ફરતા થઈ ગયા છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ₹20 ના નકલી સિક્કા બનાવતી હતી. આ ટોળકી પાસેથી સિક્કા બનાવવાની સામગ્રી અને ખાસ ડાઈ પણ જપ્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારા ખિસ્સામાં રહેલો ₹20 નો સિક્કો અસલી છે કે નકલી, તે ઓળખવો અત્યંત જરૂરી બન્યો છે.
પોલીસ તપાસ અનુસાર, આરોપીઓ લોખંડ અને જસત (ઝિંક) ની પ્લેટ કટિંગ કરીને સિક્કાનો બેઝ તૈયાર કરતા હતા. કટિંગ પછી સિક્કાના અંદરનો નાનો હિસ્સો બનાવાતો હતો, જેના પર પિત્તળ (બ્રાસ) નું કોટિંગ કરવામાં આવતું હતું. ત્યારબાદ ખાસ ડાઈ અને હાઈટેક મશીનોની મદદથી સિક્કા પર સત્તાવાર ડિઝાઈન અને નિશાનો છાપવામાં આવતા હતા, જેથી સિક્કો એકદમ ઓરિજિનલ જેવો જ દેખાતો હતો.
ગોળ નથી હોતો ₹20 નો સિક્કો: સૌથી મહત્વની વાત એ છે કે ₹20 નો સિક્કો સંપૂર્ણ ગોળ હોતો નથી. તે 12 ખૂણાવાળો (12-sided polygon) હોય છે. ભારતના નવા કોઈન ડિઝાઇનમાં તેને અન્ય ગોળ સિક્કાઓથી અલગ રાખવામાં આવ્યો છે, જેથી દિવ્યાંગ (દ્રષ્ટિહીન) લોકો પણ હાથ લગાવીને સ્પર્શ માત્રથી ઓળખી શકે.
કિનારી પર હોતી નથી લાઈનો (ધાર): ₹20 ના સિક્કાની બહારની ધાર (Edge) પર કોઈ આડી કે ઊભી લાઈનો (Serrations) હોતી નથી; તેની કિનારી એકદમ સ્મૂધ અને સપાટ હોય છે. ₹2 અને ₹10 ના સિક્કાની કિનારી પર લાઈનો હોય છે, જ્યારે ₹1, ₹5 અને ₹20 ના સિક્કાની કિનારી ધાર વગરની હોય છે.
બે ધાતુઓનું ખાસ મિશ્રણ (Bimetallic): ₹10 ના સિક્કાની જેમ ₹20 નો સિક્કો પણ રિંગ અને કોર એમ બે ભાગમાં બનેલો હોય છે. બહારની રિંગ ‘નિકલ સિલ્વર’ની હોય છે (જેમાં 65% તાંબુ, 15% ઝિંક અને 20% નિકલ હોય છે). જ્યારે વચ્ચેનો અંદરનો ભાગ (કોર) ‘નિકલ બ્રાસ’નો હોય છે (જેમાં 75% તાંબુ, 20% ઝિંક અને 5% નિકલ હોય છે).
ચોક્કસ વજન અને એગ્રીકલ્ચર થીમ: ભારત સરકારના સત્તાવાર ધારાધોરણો મુજબ ₹20 ના અસલી સિક્કાનું ચોક્કસ વજન 8.54 ગ્રામ હોય છે. આ નવી સિરીઝના સિક્કા પાછળ સરકારે કૃષિ (Agriculture) ની થીમ રાખી છે, જેથી સિક્કાની પાછળની બાજુએ અનાજના દાણા દર્શાવતી ખાસ ડિઝાઇન જોવા મળે છે.