
બજારમાં મળતાં ચમકદાર, આકર્ષક અને એકસરખાં પાકેલાં ફળો જોઈને આપણે સહેલાઈથી ખરીદી લઈએ છીએ. પરંતુ શું દરેક ફળ કુદરતી રીતે જ પાકેલું હોય છે? ફળોને ઝડપથી પકવવા અને વધુ આકર્ષક દેખાડવા માટે કેટલીકવાર કૃત્રિમ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આર્ટિફિશિયલ રાઇપનિંગ અને ગ્લેઝિંગ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાઓ શું છે, શા માટે કરવામાં આવે છે અને ગ્રાહક તરીકે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ચાલો જાણીએ.
આર્ટિફિશિયલ રાઇપનિંગ એટલે ફળોને નિયંત્રિત પ્રક્રિયા દ્વારા ઝડપથી પકવવા. આ માટે ઇથિલિન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. ઇથિલિન એક કુદરતી વનસ્પતિ હોર્મોન છે, જે ફળોમાં પાકવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.બીજી તરફ, આર્ટિફિશિયલ ગ્લેઝિંગ એટલે ફળોની સપાટી પર મીણ અથવા અન્ય કોટિંગ લગાવીને તેને વધુ ચમકદાર બનાવવાની પ્રક્રિયા. તેનાથી ફળોની ભેજ જળવાઈ રહે છે અને દેખાવ આકર્ષક બને છે.
ફળોને બજારમાં આકર્ષક દેખાડવા, પરિવહન દરમિયાન તેની ગુણવત્તા જાળવવા, ભેજનું નુકસાન ઘટાડવા અને વેચાણનો સમય વધારવા માટે ગ્લેઝિંગ કરવામાં આવે છે. જ્યારે રાઇપનિંગ દ્વારા કેળાં, કેરી અને પપૈયાં જેવાં ફળોને ઝડપથી અને એકસરખી રીતે પાકવીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.
બંને પદ્ધતિઓ એકસરખી નથી. ઇથિલિન ગેસનો નિયંત્રિત ઉપયોગ ભારતમાં FSSAI દ્વારા મંજૂર છે. FSSAIના નિયમો મુજબ ફળોની જાત, પરિપક્વતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહત્તમ 100 PPM સુધી ઇથિલિનનો ઉપયોગ કરી શકાય છે. તે ફળોમાં કુદરતી રીતે પણ ઉત્પન્ન થતું હોર્મોન છે અને યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે તો સલામત માનવામાં આવે છે.
બીજી તરફ, કેલ્શિયમ કાર્બાઇડ જેને સામાન્ય ભાષામાં ‘મસાલા’ કહેવામાં આવે છે, તેનાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે. તેના ઔદ્યોગિક પ્રકારમાં આર્સેનિક અને ફોસ્ફરસ જેવી હાનિકારક અશુદ્ધિઓ હોઈ શકે છે. તેના કારણે ચક્કર આવવાં, ઉલટી, ગળવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આથી ભારતમાં ફળો પકવવા માટે તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.
ફળો પર કરવામાં આવતું દરેક મીણનું કોટિંગ હાનિકારક નથી. FSSAIના નિયમો મુજબ બીઝ વેક્સ, કાર્નોબા વેક્સ અને શેલેક વેક્સ જેવા મંજૂર ફૂડ-ગ્રેડ કોટિંગનો નિર્ધારિત મર્યાદામાં ઉપયોગ કરી શકાય છે. જોકે તેના માટે યોગ્ય ઉત્પાદન પદ્ધતિ અને લેબલ પર જરૂરી જાહેરાતનું પાલન કરવું પડે છે.
પરંતુ ઔદ્યોગિક મીણ, મિનરલ ઓઇલ, કૃત્રિમ રંગો અથવા અનધિકૃત રસાયણોનો ઉપયોગ ફળોને અસુરક્ષિત બનાવી શકે છે. તેથી ફળોની ચમકને હંમેશાં ગુણવત્તાની નિશાની માનવી યોગ્ય નથી.
માત્ર રંગ, ચમક કે દેખાવ પરથી ફળ કૃત્રિમ રીતે પકવેલું છે કે તેના પર અનધિકૃત કોટિંગ છે તે ચોક્કસ નક્કી કરી શકાતું નથી. તેમ છતાં અસામાન્ય ચીકાશ, સપાટી પર શંકાસ્પદ પડ, અસ્વાભાવિક રંગ કે સડેલા ભાગો હોય તો સાવચેતી રાખવી. વિશ્વસનીય વિક્રેતા પાસેથી ફળ ખરીદવાં, વહેતા પાણીમાં સારી રીતે ધોવાં અને કાપતાં પહેલાં તેની સપાટી સાફ કરવી.
યાદ રાખો: દરેક કૃત્રિમ પ્રક્રિયા જોખમી નથી, પરંતુ પ્રતિબંધિત રસાયણો અને અનધિકૃત કોટિંગથી સાવચેત રહેવું જરૂરી છે.