Breaking News: મણિપુરના CM એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ
કાંગપોકપી જિલ્લામાં સોમવારે આતંકવાદીઓએ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો. ઝેડ કેટેગરીના સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી 2 જવાન ઘાયલ થવાના સમાચાર છે.
મણિપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 જવાન ઘાયલ થયો છે. સીએમના સુરક્ષા કાફલા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. સમગ્ર મામલો એવો છે કે સીએમ એન બિરેન સિંહ મંગળવારે જીરીબામની મુલાકાતે જવાના હતા.
તેમની મુલાકાત પહેલા સીએમની સુરક્ષા ટીમ ત્યાં જઈ રહી હતી. શંકાસ્પદ આતંકવાદીઓએ ટીમ પર હુમલો કર્યો. સુરક્ષા દળોના વાહનો પર ઘણી ગોળીઓ છોડવામાં આવી હતી, જે બાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે હુમલા દરમિયાન 2 સૈનિક ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ શનિવારે જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને લગભગ 70 ઘરોને આગ ચાંપી દીધી હતી. મુખ્યમંત્રી સિંહ તાજેતરની સ્થિતિની સમીક્ષા કરવા જીરીબામ જવાના હતા પરંતુ તે પહેલા આ સમાચાર સામે આવ્યા હતા.
મે 2023માં મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી
મણિપુરમાં મે 2023માં હિંસા ફાટી નીકળી હતી, ત્યારથી ગોળીબાર અને હિંસા જેવી ઘટનાઓ સતત બની રહી છે. મેઇતેઇ-કુકી વિવાદ હજુ સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. મણિપુરમાં જાતિય હિંસાને ડામવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં, તે સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. Meitei લોકો મણિપુરની લગભગ 53 ટકા વસ્તી ધરાવે છે અને મુખ્યત્વે ઇમ્ફાલની આસપાસના ખીણ વિસ્તારોમાં વસે છે, જ્યારે આદિવાસીઓ મોટે ભાગે પહાડીઓમાં વસે છે.