Sri Lanka Crisis: શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની અછત, IOCએ નક્કી કરી વેચાણની મર્યાદા

|

Jun 29, 2022 | 12:00 AM

શ્રીલંકાની (Sri Lanka) સરકારે તેલનો વપરાશ ઘટાડવા માટે શાળા કોલેજ બંધ કરી દીધી છે. સાથે જ ઓફિસ બંધ કરવા અને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં સરકારના મંત્રીઓ કતાર અને રશિયાની મુલાકાતે છે જ્યાં તેઓ તેલના પુરવઠા માટે વાટાઘાટો કરી રહ્યા છે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની અછત, IOCએ નક્કી કરી વેચાણની મર્યાદા
Petrol and diesel shortage in Sri Lanka

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka Crisis) આર્થિક સંકટ સતત ઘેરી બની રહ્યું છે. સ્થિતિ એવી છે કે દેશમાં ઈંધણ હવે ખતમ થવાના આરે પહોંચી ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારે દેશભરમાં તેલના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેલ માત્ર આવશ્યક સેવાઓ માટે જ આપવામાં આવી રહ્યું છે. સરકારે 10 જુલાઈ સુધી આ પ્રતિબંધો લાદ્યા છે. સ્થિતિને જોતા લંકા IOCએ તાત્કાલિક અસરથી પેટ્રોલના વેચાણની મર્યાદા નક્કી કરી છે. હાલમાં ભારત દ્વારા ધિરાણની સુવિધાને કારણે દેશમાં તેલનો સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. જો કે, આ અઠવાડિયે સરકારે સંકેત આપ્યો છે કે હવે તેઓ પરિસ્થિતિને પાટા પર લાવવા માટે કડક પગલાં લેવા માટે મજબુર બન્યા છે. જેમાં તેલના વેચાણ પર પ્રતિબંધ સામેલ છે.

કેટલી નક્કી થઈ તેલ વેચાણની મર્યાદા

IOC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મોટરબાઈક માટે 1500 શ્રીલંકન રૂપિયા, 3 વ્હીલર માટે 2500 રૂપિયા, મોટર વાહન માટે 7000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકોને આનાથી વધુ તેલ નહીં મળે. હાલમાં શ્રીલંકામાં તેલની કિંમત 400 રૂપિયા પ્રતિ લિટરની ઉપર ચાલી રહી છે. તે જ સમયે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારી માલિકીની તેલ કંપનીઓ 10 જુલાઈ સુધી માત્ર આવશ્યક સેવાઓ માટે જ પેટ્રોલ અને ડીઝલ આપશે, જેમાં સ્વાસ્થ્ય, સલામતી, પાવર અને નિકાસ ક્ષેત્રોને પ્રાથમિકતા મળશે. તેલનો વપરાશ ઘટાડવા માટે સરકારે શાળા કોલેજ બંધ કરી દીધી છે. સાથે જ ઓફિસ બંધ કરવા અને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં સરકારના મંત્રીઓ કતાર અને રશિયાની મુલાકાતે છે જ્યાં તેઓ તેલના પુરવઠા માટે વાટાઘાટો કરી રહ્યા છે.

તેલનો સ્ટોક સમાપ્ત થવાના આરે 

હાલમાં શ્રીલંકામાં માત્ર એક દિવસના વપરાશ જેટલું પેટ્રોલ અને ડીઝલ બચ્યું છે. આવી સ્થિતિમાં, સરકારે 10 જુલાઈ સુધી પ્રાથમિકતાના ધોરણે માત્ર આવશ્યક સેવાઓને જ પેટ્રોલ અને ડીઝલ આપવાનો નિર્ણય કર્યો છે. શ્રીલંકા સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈપણ દેશમાંથી ઈંધણનો કોઈ કન્સાઈનમેન્ટ આવી રહ્યો નથી, જેના કારણે હાલ સંકટ સમાપ્ત થવાની સંભાવના નથી. વાસ્તવમાં, શ્રીલંકા કોઈપણ ખરીદીની ચૂકવણી કરવામાં અસમર્થ છે, તેથી શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી ભારત દ્વારા આપવામાં આવેલી ક્રેડિટ લાઇનની મદદથી તેલનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ શ્રીલંકાને બ્લેકલિસ્ટ કરી દીધું છે. આવી સ્થિતિમાં સરકાર IMF પાસેથી મદદની અપેક્ષા રાખી રહી છે. તે જ સમયે, શ્રીલંકાની સરકાર પણ રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

Published On - 11:52 pm, Tue, 28 June 22

Next Article