Surat : સુરતમાં રોગચાળો (Disease) દિવસે દિવસે વધુને વધુ વકરી રહ્યો છે. તાવ અને અન્ય બીમારીના કારણે મોતને ભેટતા લોકોના આંકડા વધી રહ્યા છે. ત્યારે તાવના કારણે સુરતમાં વધુ એક વ્યક્તિનું મોત (Death) થયુ છે. તાવ આવતા બમરોલીના એક વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.
તબીબના જણાવ્યા પ્રમાણે સુરતમાં રોજ 300થી પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે. સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. નાના બાળકોથી લઇને યુવાન અને વૃદ્ધ માણસોમાં ઝાડા, ઉલ્ટી, તાવ અને મેલેરિયા જેવી બીમારીઓમાં વધારો થયો છે. તો કન્જક્ટિવાઇટિસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં રોગચાળાના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડને જોઇને વધુ 3 કેસ બારી શરુ કરવામાં આવી છે. તો 8 વોર્ડમાં વધુ 60 બેડ પણ મૂકવામાં આવશે.
તો રોગચાળા પર કાબુ મેળવવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. શહેરના 8 ઝોન સહિત તમામ વિસ્તારોમાં 10 જેટલી મોબાઇલ મેડિકલની ટીમ ઉભી કરવામાં આવી છે. જરૂર હોય ત્યાં સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે અને બીમારી ગંભીર જણાય તો સિવિલ મોકલવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ સર્વેની કામગીરી પણ કરી રહી છે. ચોમાસાને લઇ સુરતના લોકોને ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. છેલ્લા 1 મહિનામાં શહેરમાં ગંદા પાણીની ફરિયાદ, ઝાડા-ઉલટી અને તાવના કેસમાં વધારો થયો છે.