
અમેરિકાના પ્રતિબંધો અને ચેતવણીઓ વચ્ચે પણ ભારતે રશિયન ક્રૂડ તેલની આયાતમાં ઘટાડો કરવા બદલે વધારો કર્યો છે. નવેમ્બરમાં ભારતની રશિયા પાસેથી થયેલી ખરીદી છેલ્લા પાંચ મહિનામાં સૌથી ઊંચી રહી. યુરોપિયન થિંક ટેન્ક CREA ના અહેવાલ મુજબ, ભારતે નવેમ્બરમાં રશિયા પાસેથી આશરે EUR 2.6 અબજ મૂલ્યનું તેલ આયાત કર્યું, જે ઓક્ટોબરની સરખામણીમાં લગભગ 4% વધારે છે.
અહેવાલ મુજબ, નવેમ્બરમાં રશિયાના કુલ ફિલોસ-ઇંધણ નિકાસમાં ચીન 47% હિસ્સા સાથે પ્રથમ સ્થાને હતું, જ્યારે ભારત 38% સાથે બીજા નંબરે રહ્યું. યુક્રેન યુદ્ધ પહેલાં ભારતના તેલ બાસ્કેટમાં રશિયાનો હિસ્સો માત્ર 1% હતો, પરંતુ હવે તે ઝડપથી વધીને 40% સુધી પહોંચી ગયો છે. ભારે ડિસ્કાઉન્ટ પર મળતા રશિયન ક્રૂડએ ભારતને આકર્ષિત કર્યું છે, જેના કારણે મધ્ય પૂર્વની સરખામણીમાં રશિયા વધુ મોટું સપ્લાયર બન્યું છે.
22 ઓક્ટોબરે અમેરિકા રોઝનેફ્ટ અને લુકોઇલ જેવી મુખ્ય રશિયન કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા. ત્યારબાદ રિલાયન્સ, HPCL અને MRPL જેવી ખાનગી ભારતીય કંપનીઓએ ખરીદી અસ્થાયી રીતે રોકી દીધી હતી.
પરંતુ રાજ્ય માલિકીની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પ્રતિબંધોથી અસરગ્રસ્ત ન થતા સપ્લાયર્સ પાસેથી ખરીદી કરતી રહી. CREA મુજબ ખાનગી રિફાઇનરીઓએ આયાતમાં ઘટાડો કર્યો પરંતુ રાજ્ય માલિકીની રિફાઇનરીઓએ નવેમ્બરમાં 22% વધારો નોંધાવ્યો
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. અહીં પ્રક્રિયા કરાયેલ રશિયન ક્રૂડનો મોટો હિસ્સો સ્થાનિક જરૂરિયાતો ઉપરાંત નિકાસ માટે પણ વપરાય છે.
ભારત અને તુર્કીની છ રિફાઇનરીઓએ મળીને EUR 807 મિલિયન મૂલ્યના રિફાઇન્ડ ઉત્પાદનો નિકાસ કર્યા જેમાંથી EUR 301 મિલિયન રશિયન ક્રૂડના પ્રોસેસિંગમાંથી આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં નિકાસમાં 69%નો ઉછાળો. રિપોર્ટ દર્શાવે છે કે નવેમ્બરમાં ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં ઇંધણ નિકાસમાં 69% નો વધારો થયો. આ મોટાભાગનું ઇંધણ રિલાયન્સની જામનગર રિફાઇનરીમાંથી મોકલાયું હતું. કેનેડાએ પણ આઠ મહિનામાં પ્રથમ વખત રશિયન ક્રૂડ આધારિત ભારતીય ઇંધણનું શિપમેન્ટ સ્વીકાર્યું.
યુરોપિયન યુનિયનમાં રશિયન તેલમાંથી બનેલા ઇંધણની આયાત પર પ્રતિબંધ લાગુ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાએ આવા પ્રતિબંધો લાગુ કર્યા નથી, જેના કારણે ભારતીય રિફાઇનરીઓ ત્યાં સરળતાથી નિકાસ કરી રહી છે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.