
ઘણા દિવસો સુધી મર્યાદિત ઓવરના ક્રિકેટ પછી, ભારતીય ટીમ લાંબા ફોર્મેટમાં પરત ફરી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટ, શનિવારથી શરૂ થશે. બે ટેસ્ટ મેચની આ શ્રેણીની પહેલી મેચ ગાલેમાં રમાશે. જોકે, એવું લાગે છે કે મેચનો પહેલો દિવસ ખેલાડીઓ અને ચાહકો માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે, કારણ કે ગાલેમાં દિવસ દરમિયાન અલગ-અલગ સમયે વરસાદ પડશે તેવી આગાહી કરી છે, જેના કારણે મેચના પહેલા દિવસ પર નોંધપાત્ર અસર પડી શકે છે.
આ મેચ શનિવારે ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સવારે 10 વાગ્યે (IST) શરૂ થવાની છે. જોકે, દક્ષિણ શ્રીલંકામાં હિંદ મહાસાગર કિનારે સ્થિત આ સુંદર શહેરમાં હવામાનની અસર થવાની સંભાવના છે. હવામાન આગાહી વેબસાઇટ AccuWeather અનુસાર, ગાલેમાં શનિવારે સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી વરસાદની સંભાવના છે. આ આગાહીને કારણે સવારે 9:30 વાગ્યે યોજાવાનો ટોસ મુલતવી રાખવામાં આવી શકે છે.
સવારે 10 વાગ્યાથી વરસાદનો ખતરો સતત ઓછો થઈ રહ્યો હોવા છતાં, દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. પરિણામે, હળવા વરસાદની શક્યતા છે, જેનાથી મેચમાં ખલેલ પહોંચી શકે છે. મેચના આગલા દિવસે શુક્રવારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં ખલેલ પહોંચી હતી.
વરસાદનો આ ખતરો ફક્ત પહેલા દિવસે જ નહીં, પરંતુ મેચના બાકીના દિવસો સુધી પણ રહેશે. આ મેચ 15 થી 19 ઓગસ્ટ દરમિયાન રમવાની છે. જોકે, આ પાંચમાંથી ચાર દિવસ વરસાદની આગાહી છે. 18 ઓગસ્ટે જ હવામાન સ્વચ્છ રહેવાની આગાહી છે. તેથી, ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું પરિણામ ફક્ત બંને ટીમોના પ્રદર્શન પર જ નહીં, પરંતુ હવામાન પર પણ નિર્ભર રહેશે. જો હવામાન અનુકૂળ રહેશે, તો બેટિંગ આને બોલિંગ દ્વારા મેચનું પરિણામ આવશે. પણ જો હવામાન અનુકૂળ નહીં હોય, તો ફેન્સ નિરાશ થશે.