નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે જિલ્લામાં સરેરાશ 15 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં ગરુડેશ્વરમાં 14.6 ઇંચ, ડેડીયાપાડામાં 21.02 ઇંચ, તિલકવાળાનીમ 20.58 ઇંચ, નાંદોદમાં 13.45 ઇંચ અને સાગબારામાં 16.61 ઇંચ વરસાદ પડ્યો છે. આમ જિલ્લામાં સરેરાશ 15 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી ગામડાઓમાં ભારે નુકસાન થયું છે. તિલકવાડાના તેડીયાના સાહેપુરા ગામમાં વરસાદના કારણે રસ્તો બંધ થયો છે. સાહેપુરા ગામમાં જવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને રસ્તામાં પડેલા હજુ વૃક્ષ હટાવવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો ગુજરાત પ્રવાસ મોકૂફ રખાયો છે. નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે દ્રૌપદી મુર્મુનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકુફ છે. દ્રૌપદી મુર્મુ કેવડિયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાનાં હતાં. આ ઉપરાંત કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન હતું.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોડતી રેલવે લાઈનનો ટ્રેક ધોવાઈ ગયો છે. ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ જવાના પગલે આ રેલખંડની ટ્રેનોને અસર થઈ છે. ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો છે. ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર દોડતી ટ્રેન નંબર 09108, અને 09110, એકતા નગર – પ્રતાપ નગર મેમુ પેસેન્જર 11 જુલાઈ 2022 ના રોજ રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 09109 અને 09113 પ્રતાપ નગર – એકતા નગર મેમુ પેસેન્જર પણ 11 જુલાઈ 2022 ના રોજ રદ રહેશે. આ ઉપરાંત તારીખ 11 જુલાઈની ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસને ડભોઈ સ્ટેશનથી શોર્ટ ઓરિજનેટ આ ટ્રેન આજે એકતા નગર – ડભોઈ વચ્ચે રદ રહેશે. જ્યારે તારીખ 11 જુલાઈની ટ્રેન નંબર 20947 અમદાવાદ – એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસને ડભોઈ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને આ ટ્રેન આજે ડભોઈ – એકતા નગર વચ્ચે રદ રહેશે.
Published On - 11:36 am, Tue, 12 July 22