
કેન્દ્ર સરકારના કોઈ કર્મચારી કે પેન્શનરનું અવસાન થાય ત્યારે તેના પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ફેમિલી પેન્શન (Family Pension) ની જોગવાઈ છે. આમાં હવે સવાલ એ ઊભો થાય છે કે, જો પરિવારમાં એક કરતાં વધુ સભ્યો હોય તો પેન્શન મેળવવાનો પ્રથમ અધિકાર કોનો ગણાશે?
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા ગત મહિને જ એક ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 2021 ના નિયમ 50 હેઠળ પરિવારના પાત્ર સભ્યોને ફેમિલી પેન્શન આપવાનો પ્રાથમિકતા ક્રમ જણાવવામાં આવ્યો છે. આ મુજબ, સામાન્ય સંજોગોમાં સૌથી પહેલા જીવિત પતિ કે પત્નીને પેન્શન મળશે. ત્યારબાદ બાળકો અને પછી આશ્રિત માતા-પિતાનો વારો આવે છે.
નિયમો મુજબ, કર્મચારી કે પેન્શનરના અવસાન બાદ જીવિત કાયદેસરના જીવનસાથી ફેમિલી પેન્શન મેળવવાના પ્રથમ હકદાર હોય છે. તેમાં રિટાયરમેન્ટ બાદ લગ્ન કરનાર જીવનસાથીનો પણ સમાવેશ થઈ શકે છે.
પતિ કે પત્ની જ્યાં સુધી પેન્શન મેળવવા માટે પાત્ર છે, ત્યાં સુધી બાળકોને આ પેન્શન મળશે નહીં. જીવનસાથીના અવસાન કે પાત્રતા સમાપ્ત થયા બાદ જ બાળકોનો દાવો માન્ય ગણાશે.
જીવનસાથીની પાત્રતા પૂરી થયા બાદ બાળકોને ફેમિલી પેન્શન આપી શકાય છે. તેમાં સગા બાળકો ઉપરાંત દત્તક લીધેલા બાળકો, સાવકા બાળકો અને કર્મચારીના રિટાયરમેન્ટ કે અવસાન બાદ જન્મેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. એક કરતાં વધુ પાત્ર બાળકો હોય તો જન્મના ક્રમમાં સૌથી મોટા બાળકને પ્રાથમિકતા મળશે.
પ્રથમ શ્રેણીના બાળકોનું પેન્શન 25 વર્ષની ઉંમરે, લગ્ન પછી અથવા કમાણી શરૂ કર્યા પછી… જે પણ વહેલું હોય તે સમયે બંધ થઈ જાય છે.
પ્રથમ શ્રેણીમાં કોઈ પાત્ર બાળક ન હોય તો માનસિક કે શારીરિક દિવ્યાંગતા ધરાવતા બાળકોને જન્મ ક્રમ અનુસાર પેન્શન મળી શકે છે. તેમનું પેન્શન કમાણી શરૂ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે અને લગ્ન થવાથી તેમની પાત્રતા સમાપ્ત થતી નથી.
ત્યારબાદ અપરિણીત, વિધવા કે છૂટાછેડા લીધેલી દીકરીઓને તક મળે છે. તેમના માટે માતા-પિતા પર નિર્ભરતા અને કમાણી ન કરતી હોવા જેવી શરતો લાગુ પડે છે.
જીવનસાથી અને બાળકોની પાત્રતા સમાપ્ત થયા બાદ આશ્રિત માતા-પિતા, જેમાં દત્તક લેનાર માતા-પિતાનો પણ સમાવેશ થાય છે; તેઓ પેન્શન માટે પાત્ર બની શકે છે. તેમાં માતાને પિતા કરતાં પહેલા પ્રાથમિકતા મળશે. સૌથી છેલ્લે માનસિક કે શારીરિક દિવ્યાંગતા ધરાવતા આશ્રિત ભાઈ-બહેનોને તક મળે છે.