
જ્યારે પણ આપણે બાળપણમાં શાળામાં ભણતા ત્યારે સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદવાળી જગ્યા તરીકે ‘ચેરાપુંજી’નું નામ આવતું હતું. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે વિશ્વની સૌથી વધુ વરસાદવાળી કે સૌથી ‘ભીની’ જગ્યા ચેરાપુંજી નથી, પરંતુ ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં આવેલું એક નાનકડું ગામ છે.
જો તમે ફરવાના શોખીન હોવ અને ઉનાળાની રજાઓમાં કંઈક નવું જોવા માંગતા હોવ, તો તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. આ ગામમાં બારેમાસ સરેરાશ 11,872 મીમી વરસાદ પડે છે, જે કોઈ ચમત્કારથી ઓછું નથી. વરસાદ પ્રેમીઓ માટે આ બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે.
મેઘાલય એક અત્યંત સુંદર પ્રદેશ છે અને તેનું આ નાનકડું ગામ ‘મૌસિનરામ’ આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વરસાદવાળા સ્થળ તરીકે પ્રખ્યાત છે. તે ચારે બાજુથી હરિયાળી પહાડીઓ, ગીચ જંગલો અને વાદળોથી ઘેરાયેલું રહે છે. અહીંનું વાતાવરણ મોટે ભાગે ભેજવાળું અને ઠંડુ હોય છે. ચોમાસામાં તો અહીં એવું લાગે છે જાણે વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય! સતત વરસાદ અહીંની કુદરતી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
મૌસિનરામમાં બારેમાસ વરસાદ પડવાનું મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો જ્યારે ‘ખાસી પહાડીઓ’ (Khasi Hills) સાથે અથડાય છે, ત્યારે તે ઉપર તરફ જાય છે અને ભારે વરસાદ બનીને વરસે છે. આ પ્રક્રિયાને ‘ઓરોગ્રાફિક વરસાદ’ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં વર્ષના મોટાભાગના સમય દરમિયાન વરસાદ ચાલુ રહે છે.
સતત વરસાદને કારણે અહીંના લોકોની લાઈફસ્ટાઈલ પણ અલગ છે:
પ્રકૃતિ પ્રેમીઓ માટે મૌસિનરામ કોઈ સ્વર્ગથી ઉતરતું નથી. અહીં પાસે જ આવેલી ‘મોજિમ્બુઈન ગુફાઓ’ (Mawjymbuin Caves) તેની કુદરતી સંરચના માટે પ્રખ્યાત છે. અહીં આવતા પ્રવાસીઓ અદભૂત હરિયાળી, ઝરણા અને વાદળોથી ઘેરાયેલા નજારાઓનો ભરપૂર આનંદ માણી શકે છે. જો તમે શાંતિ અને કુદરતી સૌંદર્યની શોધમાં હોવ, તો મૌસિનરામ જેવું બીજું કોઈ સ્થળ નથી.