
જો તમે ટ્રેન દ્વારા લાંબા અંતરની મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ધારો કે તમારે સુરતથી દિલ્હી જવાની જરૂર છે પરંતુ સીધી ટ્રેન નથી મળી. તો તમે સુરતથી વડોદરા અને વડોદરાથી દિલ્હીની બીજી ટ્રેન ટિકિટ બુક કરાવી હોય તો તેનો અર્થ એ કે તમે કનેક્ટિંગ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કર્યું છે. જો કોઈ કારણોસર તમારી પહેલી ટ્રેન ખૂબ જ મોડી પડી અને તમે સમયસર વડોદરા સ્ટેશન પહોંચી શક્યા નહીં. પરિણામે, તમે તમારી બીજી ટ્રેન પણ ચૂકી ગયા હોય. ત્યારે મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે બીજી ટ્રેનની ટિકિટના પૈસા પાછા મળશે કે નહીં?
મોટાભાગના લોકો ઘણીવાર આ રેલવે નિયમથી અજાણ હોય છે. આને કારણે, ઘણા લોકો તેમના ટિકિટના પૈસા ગુમાવે છે. જોકે જો તમે આ મહત્વપૂર્ણ રેલવે નિયમથી વાકેફ છો અને ટિકિટ બુક કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો છો તો પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન ચૂકી જાઓ તો પણ તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
જો તમારે એક કરતાં વધુ ટ્રેનમાં મુસાફરી કરવાની હોય, તો IRCTC સાથે ટિકિટ બુક કરતી વખતે કનેક્ટિંગ જર્ની બુકિંગ વિકલ્પ પસંદ કરવાનું ભૂલશો નહીં. પછી, તમારી પહેલી ટ્રેનનો PNR નંબર દાખલ કરો. આમ કરીને રેલવે તમારી બંને ટિકિટોને એક જ કનેક્ટિંગ જર્ની તરીકે રજીસ્ટર કરશે. આ સેટિંગ રિફંડ મેળવવામાં સૌથી વધુ ઉપયોગી થશે.
જો તમે તમારી પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન ચૂકી જાઓ છો, તો ગભરાવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં રિફંડ આપવાનો રેલવેનો નિયમ છે. જોકે, તમારે સમયસર TDR (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) સબમિટ કરવી આવશ્યક છે. જો તમે નિયમો અનુસાર TDR ફાઇલ કરો છો, તો તમે તમારી ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો.
બીજી ટ્રેન છૂટી ગયા બાદ રાહ ન જુઓ. પહેલી ટ્રેન જે સ્ટેશન સુધી પહોંચવાની હતી, ત્યાં પહોંચ્યા બાદ 3 કલાકની અંદર TDR ફાઇલ કરવું જરૂરી છે. જો નિર્ધારિત સમય બાદ TDR ભરવામાં આવે તો રેલવે રિફંડનો દાવો સ્વીકારશે નહીં.
આ સુવિધા દરેક ટિકિટ પર લાગુ પડતી નથી. જો બીજી ટ્રેનની ટિકિટ તત્કાલ ક્વોટા હેઠળ બુક કરવામાં આવી હોય તો આ નિયમ હેઠળ રિફંડ આપવામાં આવશે નહીં. વધુમાં બે ટ્રેનો વચ્ચે માન્ય સમય તફાવત હોવો જોઈએ અને પહેલી ટ્રેન અને બીજી કનેક્ટિંગ ટ્રેન વચ્ચેનો સમય તફાવત પાંચ દિવસથી વધુ ન હોવો જોઈએ. સૌથી અગત્યનું તમે તમારી ટિકિટ બુક કરાવતી વખતે કનેક્ટિંગ જર્ની બુકિંગ વિકલ્પ પસંદ કર્યો હોવો જોઈએ તો જ તમે આ નિયમનો લાભ મેળવી શકશો.
જો તમે કનેક્ટિંગ ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ટિકિટ બુક કરાવતી વખતે કનેક્ટિંગ જર્ની લિંક કરવાનું ભૂલશો નહીં. આમ કરવાથી, જો તમે પહેલી ટ્રેન મોડી પડવાને કારણે બીજી ટ્રેન ચૂકી જાઓ છો તો પણ તમારા ટિકિટના પૈસા વેસ્ટ જનાર નહીં અને રેલવેના નિયમ મુજબ રિફંડ મેળવી શકાય.