
ભારતના સિંધુ જળ સંધિ (Indus Water Treaty)ને સ્થગિત કરવાના નિર્ણય પર પાકિસ્તાનની ચિંતા દિવસે દિવસે વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન મિશનના કાર્યક્રમમાં સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવામાં આવી છે. પાકિસ્તાનના વક્તાઓએ આ દરમિયાન કહ્યુ છે કે ભારતે એકતરફી સંધિને સ્થગિત કરી દીધી છે. આવુ કરતા ભારતે આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓની અવગણના કરી છે. જે ગંભીર ચિંતા ઉભી કરે છે. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા સંધિ તોડવા અંગે ગંભીર પરિણામ આવવાની વાત કહેવામાં આવી છે.
ડોનના રિપોર્ટ મુજબ, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી મિશન અને મુસ્લિમ-અમેરિકન લીડરશીપ ગઠબંધન દ્વારા શુક્રવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો વિષય ‘સિંધુ જળ સંધિ અને પાકિસ્તાનનું જળ સંકટ: પડકારો અને આગળનો માર્ગ’ હતો. કાર્યક્રમમાં વક્તાઓએ ભારતના આ પગલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના નાયબ કાયમી પ્રતિનિધિ રાજદૂત ઉસ્માન જાદૂને પોતાના ભાષણમાં ભારતને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે સિંધુ સંધિને નબળી પાડવાથી ગંભીર માનવતાવાદી પરિણામો આવશે. જાદૂને કહ્યું હતું કે મહત્વપૂર્ણ ડેટા શેર કરવાનો ઇનકાર કરવાથી ખાદ્ય અસુરક્ષા અને વિસ્થાપન વધશે. આનાથી મહિલાઓ, બાળકો અને ગરીબો માટે મુશ્કેલીઓ ઊભી થશે.
રાજદૂત અહેમદે કાર્યક્રમમાં ભારત પર પાણીને હથિયારમાં ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આમ કરવાથી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જોખમમાં મૂકાશે. તેમણે કહ્યું હતું કે રાજકીય લાભ માટે પાણીનો ઉપયોગ લોકોને તેમના સૌથી મૂળભૂત માનવ અધિકારથી વંચિત રાખવાનો છે. ભારતે આવું પગલું ભરવાનું ટાળવું જોઈએ.
ભારતે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી સિંધુ સંધિ રદ કરવાની જાહેરાત કરી હતી. ભારતે પાકિસ્તાન જતું પાણી રોકવાની વાત કરી છે. આ અંગે પાકિસ્તાને કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે જો ભારત પાણી બંધ કરશે તો તે તેને યુદ્ધની ઘોષણા ગણશે. પાકિસ્તાન કહે છે કે પાણી બંધ કરવાનો અર્થ લાખો લોકોના જીવનને જોખમમાં મૂકવાનો છે.
આ મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ચીનમાં SCO સમિટ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પાકિસ્તાનનો દાવો છે કે સિંધુ કરારની શરતો અનુસાર, કોઈપણ પક્ષ એકપક્ષીય રીતે આ કરારને સ્થગિત કે રદ કરી શકતો નથી. આવી સ્થિતિમાં, ભારતનું પગલું યોગ્ય નથી. બીજી તરફ, ભારત અત્યાર સુધી પોતાના વલણ પર અડગ રહ્યું છે.
Published On - 7:36 pm, Sat, 13 September 25