
EPFO EDLI News : જો તમે EPFOના લાભ સાથે નોકરી કરી રહ્યાં છો અને તમારો દર મહિને પ્રોવિડન્ડ ફંડ કપાતો હોય તો આ જાણકારી તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. EPFOને પાત્ર સભ્યોને, એમ્પલોય ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) યોજના હેઠળ કોઈ અલગ પ્રીમિયમ ચૂકવ્યા વિના જીવન વીમા કવરેજ મળે છે. નોકરી દરમિયાન કર્મચારીનુ જો મૃત્યુ થાય છે તો આવા કિસ્સામાં, તેમના નોમિની અથવા કાનૂની વારસદારને યોજનાના નિયમોને અનુરૂપ રૂપિયા 7 લાખ સુધીની વીમા રકમ મેળવી શકે છે.
EDLI હેઠળ વીમાની રકમની ગણતરી કર્મચારી દ્વારા તેમના મૃત્યુ પહેલાના 12 મહિના દરમિયાન લેવામાં આવેલા સરેરાશ માસિક પગારના આધારે ગણવામાં આવે છે. જોકે, આ ગણતરી મહત્તમ માસિક પગાર મર્યાદા રૂપિયા 15,000 ને આધીન છે.
સરેરાશ માસિક પગારના 30 ગણા + રૂ. 2.5 લાખ બોનસ
જો કોઈ કર્મચારીનો સરેરાશ માસિક પગાર રૂપિયા 15,000 હોય, તો:
15,000 × 30 = રૂ. 4.5 લાખ
બોનસ = રૂ. 2.5 લાખ
કુલ લાભ = રૂ. 7 લાખ
EDLI ગણતરી માટે પગાર નક્કી કરતી વખતે મોંઘવારી ભથ્થું (DA) પણ સામેલ છે. વધુમાં, જો પાત્રતા માપદંડ પૂર્ણ થાય તો યોજના લઘુત્તમ લાભ રકમ પ્રદાન કરે છે.
જો તમે EPFને પાત્ર કર્મચારી છો, તો તમે આપમેળે EDLI યોજનાના દાયરામાં આવી જાઓ છો. તમારે આના માટે કોઈ અલગ પ્રીમિયમ ચૂકવવાની કોઈ જરૂર નથી. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ કર્મચારીના નોકરી-સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. ચોક્કસ સંજોગોમાં, જો તમે EDLI યોજનાના પાત્રતાની શરતો પૂરી કરો છો, તો નોકરી બદલતી વખતે પણ યોજનાનુ કવરેજ માન્ય રહી શકે છે.
EDLI યોજનાના લાભો મેળવવા માટે, નોમિની અથવા કાનૂની વારસદારે સંબંધિત ફોર્મ અને જરૂરી દસ્તાવેજોનો ઉપયોગ કરીને દાવો દાખલ કરવો આવશ્યક છે.
EDLI લાભોનો દાવો કરવા માટે ફોર્મ 5-IF સબમિટ કરવું આવશ્યક છે.
સામાન્ય રીતે, ફોર્મમાં નોકરીદાતા દ્વારા ચકાસણીની જરૂર પડે છે.
જો નોકરીદાતા દ્વારા ચકાસણી શક્ય ના હોય, તો ફોર્મ નિયુક્ત સક્ષમ અધિકારી દ્વારા ચકાસી શકાય છે.
જરૂરી દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સંબંધિત EPFO ઓફિસમાં સબમિટ કરવું આવશ્યક છે.
પાત્રતાના આધારે, EPF અને EPS સાથે જોડાયેલા અન્ય લાભો માટે સંબંધિત ફોર્મ પણ સબમિટ કરી શકાય છે.