
પરમાણુ શસ્ત્રોએ માત્ર યુદ્ધમાં જ નહીં પરંતુ તેને બનાવવામાં અને પરીક્ષણની પ્રક્રિયામાં પણ માનવતાને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. એક નવા રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે પરમાણુ શસ્ત્રોના પરીક્ષણને કારણે વિશ્વભરમાં ઓછામાં ઓછા 40 લાખ લોકો અકાળ મૃત્યુ પામ્યા છે.
આમાંથી મોટાભાગના મૃત્યુ કેન્સર, હૃદય રોગ અને આનુવંશિક વિકૃતિઓને કારણે થયા હતા. આ ખુલાસો માનવતાવાદી સંગઠન નોર્વેજીયન પીપલ્સ એઇડ (NPA) ના 300 થી વધુ પાનાના રિપોર્ટમાં કરાયો છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે યુએસ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરી શકે છે, જેને નિષ્ણાતોએ અત્યંત ખતરનાક ગણાવ્યું છે.
રિપોર્ટ મુજબ, 1945 થી 2017 દરમિયાન વિશ્વભરમાં 2400 થી વધુ પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા સહિત આ નવ પરમાણુ સશસ્ત્ર દેશોમાં 1990 પછી ફક્ત ઉત્તર કોરિયાએ જ પરીક્ષણો કર્યા હતા, પરંતુ બાકીના દેશોના જૂના પરીક્ષણો હજુ પણ લોકોનો ભોગ લઈ રહ્યા છે.
રિપોર્ટના સૌથી ભયાનક દાવાઓમાંનો એક એ છે કે પરમાણુ પરીક્ષણોમાંથી નીકળતા કિરણોત્સર્ગી તત્વો આજે પણ દરેક જીવંત માનવીના હાડકામાં હાજર છે. આ વાત રિપોર્ટના સહ-લેખક અને દક્ષિણ કેરોલિના યુનિવર્સિટીના પ્રોફેસર મેગડાલેના સ્ટેવોવસ્કીએ કહી છે.
ખાસ કરીને વાતાવરણીય (atmospheric) પરમાણુ પરીક્ષણો, જે 1980 સુધી ચાલુ રહેલા, તેના એકલાથી કેન્સરના કારણે 20 લાખ મોત થયા હોવાનો અંદાજ છે. બીજા 20 લાખ મૃત્યુ હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.
આ અહેવાલ દર્શાવે છે કે પરમાણુ વિસ્ફોટના રેડિયેશનની અસર બધા પર એકસરખી નથી પડતી. ગર્ભમાં રહેલા બાળકો અને નાના બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા. પુરુષોની સરખામણીએ યુવતીઓ અને મહિલાઓ રેડિયેશનના કેન્સરનું જોખમ 52% વધુ હોય છે. નિષ્ણાતો કહે છે કે રેડિયેશન માટેની કોઈ સુરક્ષિત સીમા નથી. નથી.
ફ્રેન્ચ પોલિનેશિયન સાંસદ હિનામોએઉરા ક્રોસે જણાવ્યું હતું કે જ્યારે ફ્રાન્સે 1996 માં તેનું છેલ્લું પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે તે 7 વર્ષની હતી. સત્તર વર્ષ પછી, તેણીને લ્યુકેમિયા થયો. તેના પરિવારમાં પહેલાથી જ થાઇરોઇડ કેન્સરના ઘણા કેસ હતા. ફ્રાન્સે ત્યાં 193 પરમાણુ પરીક્ષણો કર્યા, જે હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા લગભગ 200 ગણા વધુ શક્તિશાળી હતા. તેવી જ રીતે, 1954 માં અમેરિકાનું બ્રાવો પરીક્ષણ, જે હિરોશિમા બોમ્બ કરતા 1,000 ગણુ વધુ શક્તિશાળી હતું, તેણે સમગ્ર માર્શલ ટાપુઓને રેડિયેશનથી ઢાંકી દીધા. બાળકોએ આકાશમાંથી પડતી કિરણોત્સર્ગી રાખને બરફ સમજી લીધો.
આ અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પરમાણુ પરીક્ષણ કરનારા દેશોએ વર્ષો સુધી સત્ય છુપાવ્યું. કિરીબાતીમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટનના અહેવાલો આજે પણ ગોપનીય છે. અલ્જેરિયામાં ફ્રાંસે કિરણોત્સર્ગી કચરો ક્યાં દફનાવ્યો તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પરમાણુ શક્તિએ ઔપચારિક રીતે માફી માંગી નથી, અને જ્યાં વળતરની ઓફર કરવામાં આવી હતી, ત્યાં તે પીડિતોને મદદ કરવા કરતાં જવાબદારી ટાળવાના સાધન તરીકે વધુ કામ કર્યું.