ધૂળ-માટીના કારણે ઘટી જાય છે સોલર પેનલની પાવર કેપેસિટી, જાણો તેને સાફ કરવાનો સાચો સમય અને રીત

સોલર પેનલમાં કોઈ ફરતા ભાગો ન હોવાથી તેને વારંવાર મેઇન્ટેનન્સની જરૂર નથી પડતી, પરંતુ તેના પર જામતી ધૂળ તેની કાર્યક્ષમતા ઘટાડી દે છે. પેનલને સાફ કરવા માટે દર વખતે વરસાદની રાહ જોવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. સોલર પેનલને ક્યારે અને કેવી રીતે સાફ કરવી કે જેથી તે લાંબો સમય ચાલે, જાણો સંપૂર્ણ વિગત.

ધૂળ-માટીના કારણે ઘટી જાય છે સોલર પેનલની પાવર કેપેસિટી, જાણો તેને સાફ કરવાનો સાચો સમય અને રીત
Image Credit source: AI
| Updated on: Jun 04, 2026 | 7:02 PM

આજકાલ ઘરો અને ઓફિસોમાં સોલર પેનલ લગાવવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. સોલર પેનલ બનાવતી કંપનીઓ પણ તેને હંમેશા સાફ રાખવાની સલાહ આપે છે, કારણ કે તેના પર જો કચરો કે માટી જામી જાય તો તે સૂર્યપ્રકાશને પૂરી રીતે શોષી શકતી નથી અને વીજળીનું ઉત્પાદન ઘટી જાય છે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે આ પેનલ ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ? આ અંગે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી મહત્વની માહિતી નીચે મુજબ છે,

સોલર પેનલ ક્યારે સાફ કરવી જોઈએ?

સોલર પેનલ ક્યારે સાફ કરવી તેનો કોઈ એક નક્કી સમય નથી, પરંતુ તમે નીચેની બાબતો પરથી અંદાજ લગાવી શકો છો, જો પેનલ સાફ કર્યાને કેટલાક મહિનાઓ થઈ ગયા હોય અને તેના પર ધૂળની પરત દેખાતી હોય. જ્યારે તમને લાગે કે સોલર સિસ્ટમ પહેલા જેટલી વીજળી નથી બનાવી રહી અથવા તેની એફિશિયન્સી ઓછી થઈ ગઈ છે. (જો કે કાર્યક્ષમતા ઘટવા પાછળ ટેકનિકલ કારણો પણ હોઈ શકે છે, પરંતુ શરૂઆતમાં સફાઈનો પ્રયોગ કરી લેવો સારો રહે છે.)

સફાઈ કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો

સોલર પેનલને સાફ કરવા માટે હંમેશા વહેલી સવારનો સમય અથવા આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય તેવો ઠંડો દિવસ પસંદ કરવો જોઈએ. તડકો નીકળ્યા પછી પેનલ સૂર્યની ગરમીને કારણે ખૂબ જ ગરમ થઈ જાય છે. તેવા સમયે તેના પર ઠંડુ પાણી નાખવાથી પેનલનું કાચ તૂટવાનું કે અન્ય નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત જો પેનલ વધુ ઊંચાઈ પર લાગેલી હોય, તો જાતે સાહસ કરવાના બદલે પ્રોફેશનલ ક્લીનર્સની મદદ લેવી વધુ હિતાવહ છે.

પેનલ સાફ કરવાની સાચી રીત

  1. સિસ્ટમ બંધ કરો: સફાઈ શરૂ કરતા પહેલા સોલર એનર્જી સિસ્ટમને મેઈન સ્વિચથી સંપૂર્ણપણે બંધ કરી દો. આનાથી શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાનું જોખમ ટળી જાય છે.
  2. પેનલ પર વજન ન આપો: સાફ કરતી વખતે ક્યારેય પેનલની ઉપર ઊભા ન રહો કે તેના પર વધારે ભાર ન મૂકો. આમ કરવાથી તેની અંદર રહેલા સોલર સેલ્સમાં નાની તિરાડો પડી શકે છે, જે પેનલને કાયમ માટે નુકસાન પહોંચાડે છે.
  3. હાર્ડ કેમિકલ અને પ્રેશરથી બચો: પેનલ ધોવા માટે ક્યારેય બહુ ઊંચા પ્રેશરવાળા વોટર પંપનો ઉપયોગ ન કરો. તેમજ એસિડ અથવા કડક કેમિકલવાળા લિક્વિડ વાપરવાનું ટાળો.
  4. મુલાયમ કપડાનો ઉપયોગ: સફાઈ માટે હંમેશા સોફ્ટ સ્પોન્જ, મુલાયમ કપડું અથવા સોફ્ટ બ્રશનો જ ઉપયોગ કરો, જેથી પેનલના કાચ પર સ્ક્રેચ ન પડે.
  5. ચોંટેલા ડાઘ દૂર કરવાની ટ્રીક: જો પેનલ પર પક્ષીઓની ચરક કે કોઈ જીદ્દી ડાઘ ચોંટી ગયો હોય, તો તેને જોરથી ઘસવાના બદલે તેના પર થોડીવાર માટે ભીનું કપડું મૂકી રાખો. ડાઘ પલળી ગયા પછી તે એકદમ સરળતાથી સાફ થઈ જશે.

થોડીક કાળજી રાખીને જો સોલર પેનલને નિયમિત સાફ રાખવામાં આવે, તો તે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાંથી મહત્તમ વીજળી ઉત્પન્ન કરતી રહેશે અને તમારા લાઈટ બિલમાં મોટો ફાયદો કરાવશે.

300 યુનિટ સુધી ફ્રીમાં ચાલશે એસી, ટીવી, પંખા, કુલર, ફ્રિજ ! કમાલની છે આ સરકારી યોજના, આ રીતે કરો અપ્લાય

Follow Us