
સામાન્ય રીતે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તો, જે તે દેશના નાગરિકોએ સરકાર, વહીવટીતંત્ર, સુરક્ષા એજન્સી, સૈન્ય સહિત યુદ્ધ સાથે સંકળાયેલ લોકોએ જાહેર કરેલ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આ એવા નીતિ નિયમો હોય છે કે, નાગરિકોની સલામતી અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ઘડવામાં આવતા હોય છે. જાહેર કરાયેલ નીતિ નિયમોનું પાલન કરવુ યુદ્ધગ્રસ્ત વિસ્તારના નાગરિકો માટે અનિવાર્ય હોય છે.
યુદ્ધગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં, સામાન્ય નાગરિકો માટે નિયમોનું પાલન કરવુ જરૂરી છે. આ નિયમો પર કરીએ એક નજર.
રાત્રે ઘર, દુકાનો અને વાહનોની લાઇટો બંધ રાખવી પડે છે. લાઈટ દેખાય નહીં તે રીતે દરવાજા કે બારીના કાચ ઢાંકવા પડે છે, જેથી દુશ્મનોના વિમાનને સરળતાથી ટાર્ગેટ ના મળી શકે.
સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં સૈન્યની ગતિવિધિ, તણાવગ્રસ્ત વિસ્તારની તસ્વીરો કે કોઈપણ સેના સંબંધિત માહિતી શેર કરવા પર સખત મનાઈ હોય છે.
જો સરકાર દ્વારા નિર્ધારિત સ્થળ ખાલી કરવાની સૂચના મળે તો, નાગરિકોએ તાત્કાલિક અને શાંતિપૂર્વક સ્થળ ખાલી કરવું જોઈએ.
પોલીસ ચેકપોસ્ટ પર સંદિગ્ધ વ્યક્તિની ઓળખ મેળવવા માટે પોલીસને ઓળખ પત્ર (ID card) બતાવવા ફરજિયાત હોય છે. કઈ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવે તો તત્કાલ પોલીસને જાણ કરવી જોઈએ.
જ્યારે કર્ફ્યુ લાગુ કરવામાં આવે ત્યારે નાગરિકોને ઘરની બહાર ના જવું તેમજ તો વહિવટીતંત્ર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવે તો નિર્ધારિત સમય સિવાય બહાર આવવા જવાનું પૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.
ઘણા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનાજ, દવા વગેરે માટે નિયત સમય અથવા રૂટિન મુજબ વિતરણ થાય છે.આ બધુ ખરીદવા માટે ત્યાં જ જવું જોઈએ.
યુદ્ધ દરમિયાન સૈન્ય કે પોલીસની કોઇપણ સૂચના હોય તે મુજબ અનુસરો. માર્ગ બદલો, તપાસમાં સહકાર કરો, સહયોગ આપો – સૈન્ય અને પોલીસનો સંપૂર્ણ આદર કરવો જોઈએ.
યુદ્ધ સમયે, શહેર સહિત વિવિધ માર્ગોએ ઘણા વિસ્તારોમાં “રસ્તો બંધ” કે “Entry Restricted” લખેલ હોય છે, નાગરિકોએ આવા વિસ્તારોથી દૂર રહેવું જરૂરી હોય છે.
ખોટા સમાચાર, સોશિયલ મીડિયા મેસેજ, ઓડિયો કે વીડિયો જે લોકોમાં ભય ફેલાવે તેવા શેર કરવા એ કાયદેસર ગુનો છે. આમ કરતા અટકવું. બીજા કોઈ કરતા હોય તો તેમને પણ અટકાવવા.
જો કોઈ તાકીદની પરિસ્થિતિમાં વધુ જાણકારી મેળવવાની આવશ્યકતા ઊભી થાય તો તેના માટે સરકાર કે સેના દ્વારા જાહેર કરેલ હેલ્પલાઇન નંબરનો જ ઉપયોગ કરવો.
આ બધા નિયમોનો ઉદ્દેશ, યુદ્ધ દરમિયાન નાગરિકોની રક્ષા કરવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો હોય છે. નિયમોનું ચુસ્ત અને ઊંડાણપૂર્વક પાલન કરવાથી સામાન્ય નાગરિક પણ રાષ્ટ્રીય કૃતવ્યમાં ભાગીદાર બની શકે છે.
Published On - 3:58 pm, Tue, 6 May 25