Andhra Pradesh Capital History : ભારતનું એકમાત્ર રાજ્ય, જ્યાં રાજધાની 3 વખત બદલાઈ !

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના ક્વિઝ અને જનરલ નોલેજના સવાલો વાયરલ થતા હોય છે. આજે અમે તમને એવા જ એક રસપ્રદ સવાલનો જવાબ જણાવી રહ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકોને જાણ છે.

Andhra Pradesh Capital History : ભારતનું એકમાત્ર રાજ્ય, જ્યાં રાજધાની 3 વખત બદલાઈ !
Andhra Pradesh
Image Credit source: Incredible India
| Updated on: Jun 11, 2026 | 11:12 AM

ભારતના દક્ષિણ રાજ્ય આંધ્રપ્રદેશનો ઇતિહાસ વહીવટી ફેરફારો અને પ્રાચીન રાજવંશોની વાર્તાઓથી ભરેલો છે. તે એકમાત્ર રાજ્ય છે જેની રાજધાની ત્રણ વખત બદલાઈ છે. આંધ્રપ્રદેશની રાજધાની કુર્નૂલથી હૈદરાબાદ સુધી અને પછી અમરાવતી સુધી પહોંચી છે. અહીં અનેક પ્રાચીન રાજવંશોએ શાસન કર્યું છે. જેના કારણે રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર ખૂબ જ સમૃદ્ધ બની છે.

ક્યારે-ક્યારે બદલાઈ રાજધાની?

  1. કુર્નૂલ (1953થી 1956): 01 ઓક્ટોબર, 1953 ના રોજ મદ્રાસ રાજ્યથી અલગ કરીને જ્યારે આંધ્ર રાજ્યની રચના કરવામાં આવી ત્યારે કુર્નૂલને અસ્થાયી રાજધાની બનાવવામાં આવી હતી. તે ભાષાકીય ધોરણે બનેલું પહેલું રાજ્ય હતું.
  2. હૈદરાબાદ (1956થી 2014): 01 નવેમ્બર, 1956ના રોજ, રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ તેલુગુ ભાષી વિસ્તારોને ભેળવીને આંધ્ર પ્રદેશની રચના કરવામાં આવી. નિઝામ શાસિત હૈદરાબાદને રાજધાની જાહેર કરવામાં આવી. પંડિત જવાહરલાલ નહેરુએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને એન. સંજીવ રેડ્ડી પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
  3. અમરાવતી (2014 પછી, 2026માં પુષ્ટિ): 2014માં આંધ્રપ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું. તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. જેમાં હૈદરાબાદ તેલંગાણાનાની રાજધાની બની. આંધ્ર પ્રદેશને નવી રાજધાની જોઈએ હતી. પરિણામે, ચંદ્રબાબુ નાયડુ સરકારે અમરાવતી પસંદ કરી. બાદમાં, ત્રણ રાજધાનીઓનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો (વિધાયક માટે અમરાવતી, કારોબારી માટે વિશાખાપટ્ટનમ અને ન્યાયિક માટે કુર્નૂલ), પરંતુ 2026ના આંધ્ર પ્રદેશ પુનર્ગઠન સુધારા કાયદાએ અમરાવતીને એકમાત્ર રાજધાનીનો દરજ્જો આપ્યો.

કયા રાજવંશોએ શાસન કર્યું?

આંધ્ર પ્રદેશનો ઇતિહાસ વૈદિક કાળ સાથે જોડાયેલો છે. ‘ઐતરેય બ્રાહ્મણ’માં આ પ્રદેશને ‘દક્ષિણ પથ’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. મૌર્ય કાળ દરમિયાન અશોકના શિલાલેખોમાં આંધ્રનો ઉલ્લેખ છે. મેગસ્થિનીસે અહીં 30 કિલ્લેબંધીવાળા શહેરો અને શક્તિશાળી સૈન્યનો ઉલ્લેખ કર્યો છે. અહીં શાસન કરનારા રાજવંશોને નીચે મુજબ સમજી શકાય છે

  1. સાતવાહન (230 ઈ.પૂ. – 220 ઈ.): દક્ષિણ ભારતના વિશાળ પ્રદેશ પર શાસન કર્યું અને અમરાવતીનો વિકાસ કર્યો.
  2. ઇક્ષ્વાકુ, પલ્લવ અને પૂર્વી ચાલુક્ય : સ્થાનિક શાસન અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.
  3. કાકતિય (12મીથી 14મી સદી): વરંગલમાંથી શાસન કર્યું અને તેલુગુ સાહિત્યને પ્રોત્સાહન આપ્યું.
  4. વિજયનગર સામ્રાજ્ય, કૂતુબ શાહી અને નિઝામ : મધ્યકાલીન અને આધુનિક યુગમાં આ પ્રદેશ પર વિવિધ સમયગાળામાં શાસન કર્યું.

આ પણ જાણો

ગોદાવરી-કૃષ્ણ નદીઓને કારણે આંધ્ર પ્રદેશની ભૂમિ ઉપજાઉ માનવામાં આવે છે. બૌદ્ધ, જૈન અને હિન્દુ મંદિરોના અવશેષો અહીં જોવા મળે છે. સ્વતંત્રતા પછી, ભાષાકીય આંદોલન અને પોટ્ટી શ્રીરામુલુના બલિદાનએ અલગ રાજ્યની માંગને મજબૂત બનાવી. અમરાવતી હવે વિકાસનું કેન્દ્ર છે. રાજ્ય કૃષિ, આઈટી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે. ઇતિહાસકારોના મતે આંધ્ર પ્રદેશને કાકતિયોની વીરતા, સાતવાહનોની વેપારી કુશળતા અને આધુનિક ભારતની એકતાનું પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચો, Temple Prasad Rules : ગુજરાત સહિત ભારતના આ 6 મંદિરોમાં પ્રસાદ ઘરે લઈ જવાની નથી મંજૂરી, જાણો શું છે કારણ !

Published On - 11:10 am, Thu, 11 June 26

Follow Us