
ન્યૂયોર્કમાં આજે મેયર પદ માટે મતદાન થવાનુ છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના જોહરાન મમદાની મેયર પદ માટેની ચૂંટણી લડી રહ્યા છે. જો 34 વર્ષિય મમદાની આ ચૂંટણી જીતે છે તો તેઓ ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ મેયર હશે. જો કે તેમની જીતની સંભાવના ટ્રમ્પને થોડી વ્યથિત જરૂર કરી રહી છે.
ન્યૂયોર્કના મેયરપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાની ઓપિનિયન પોલમાં તેઓ પોતાની બઢત બનાવી રહ્યા છે અને સૌથી આગળ ચાલી રહ્યા છે. ત્યારે મમદાનીને મેયર બનવાની શક્યતા પર ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો વધી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે જો જોહરન મમદાની મંગળવારે થનારી ન્યૂયોર્ક સિટીની મેયર પદની ચૂંટણી જીતે છે તો તેઓ ન્યૂયોર્કનું ફેડરલ ફંડ રોકી દેશે. ટ્રમ્પે મમદાનીની જીતની સંભાવનાને એક ખરાબ સંકેત ગણાવ્યો છે. ટ્રમ્પના નિવેદનની ચૂંટણી પરિણામો પર અસર પડવાની પણ અટકળો ચાલી રહી છે.
સોમવારે, ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર સ્પષ્ટપણે લખ્યું, “જો મમદાની જીતે છે, તો તેની સંભાવના ખૂબ જ ઓછી છે કે હું ફેડરલ ફંડમાં જરૂરી ન્યૂનતમ રકમથી સિવાયનું કોઈપણ યોગદાન આપીશ.” આનો અર્થ એ છે કે યુએસ સરકાર તરફથી ન્યૂયોર્કને મળતા મોટાભાગના ફન્ડ પર કાપ મૂકવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ન્યૂયોર્ક કોઈ સામ્યવાદી (મમદાની) ના હાથમાં આવી જાય, તો ત્યાં મોકલવામાં આવેલા પૈસા વેડફાઈ જશે.
ચૂંટણી સર્વેક્ષણોમાં, મમદાની ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર અને સ્વતંત્ર ઉમેદવાર એન્ડ્રુ કુઓમો અને ગાર્ડિયન એન્જલ્સના સ્થાપક રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાથી આગળ ચાલી રહ્યા છે. સોમવારે જાહેર થયેલા તાજેતરના રીઅલક્લિયરપોલિટિક્સ પોલમાં, મમદાની 45.8 ટકા મત સાથે આગળ છે. તેઓ કુઓમોના 31.1 ટકા કરતાં 14.7 પોઇન્ટ અને સ્લીવાના 17.3 ટકા કરતાં 28.5 પોઇન્ટની લીડ ધરાવે છે.
સોમવારે, પ્રચારના અંતિમ દિવસે, મેયર પદના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચાઓ અને ટીકાઓ વચ્ચે ન્યૂ યોર્ક શહેરમાં દોડધામ કરી. ન્યૂ યોર્ક સિટી બોર્ડ ઓફ ઇલેક્શન્સ અનુસાર, મેયર પદની રેસે વ્યાપક વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. ચૂંટણીના છેલ્લા નવ દિવસોમાં રેકોર્ડ 735,317 પ્રારંભિક મતો પડ્યા છે, જે 2021ની ચૂંટણીમાં પડેલા કુલ મતો કરતાં ચાર ગણા વધારે છે.
મામદાનીની ઉમેદવારી ન્યૂયોર્ક સિટી મેયર પદની ચૂંટણી પર વૈશ્વિક ધ્યાનનું મુખ્ય કારણ છે. ઝોહરાન મમદાનીની ચૂંટણી પ્રચાર શૈલી અને ટ્રમ્પ સામેના તેમના તીવ્ર વિરોધે આ ચૂંટણી તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જો મમદાનીની જીત થશે, તો તેઓ દક્ષિણ એશિયન મૂળના પ્રથમ આફ્રિકન-જન્મેલા મેયર બનશે. તેઓ ન્યૂયોર્ક શહેરના પ્રથમ મુસ્લિમ મેયર પણ બનશે.
33 વર્ષિય ઝોહરાન મમદાની ઈન્ડિયન ફિલ્મ મેકર મીરા નાયરના પુત્ર છે. આ એજ મીરા નાયર જેમણે ‘સલામ બોમ્બે’, ‘મોનસૂન વેડિંગ’ અને ‘ધ નેમ સેક’ જેવી ફિલ્મો બનાવી છે. ઝોહરાન મમદાની માતા ફિલ્મમેકર છે તો પિતા પ્રોફેસર છે. જે ગુજરાતી મૂળના ભારતીય મુસ્લિમ છે. ઝોહરાનના પિતા મહેમુદ મમદાની વર્ષો પહેલા ગુજરાતથી યુગાન્ડા શિફ્ટ કરી ગયા હતા અને ઝોહરાન મમદાનીનો જન્મ પણ યુગાન્ડાના કમ્પાલા શહેરમાં થયો હતો. મમદાની જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ તેમનો પુરો પરિવાર યુગાન્ડાથી ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગયો હતો. બસ ત્યારથી મમદાની અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ રહે છે અને મમદાની મોટા થયા તો પોલિટિક લીડર બની ગયા ત્યાં સુધી તો બધુ બરાબર છે પરંતુ હવે ચાન્સિસ એવા છે કે તેઓ વિશ્વના સૌથી મોંઘા શહેરના નવા મેયર બની શકે છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ન્યૂયોર્ક શહેરના મેયર બનવા માટેની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.
ભારતમાં મમદાનીની છબી હિંદુ વિરોધી અને કટ્ટર ડાબેરી માનસિક્તાવાળા મુસ્લિમ નેતાની છે. કોઈ પાર્ટીના વિરોધી હોવુ, ભાજપ વિરોધી કે મોદી વિરોધી હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ મમદાની દેશ વિરોધી વાતો કરે છે. ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવે છે.
વર્ષ 2020માં રામ મંદિરના વિરોધમાં ન્યૂયોર્કમાં એક પ્રદર્શન થયુ. આ પ્રોટેસ્ટમાં મુસ્લિમો તો હતા, સાથોસાથ ખાલિસ્તાન સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકો હતા અને પાકિસ્તાનીઓ હતા. આ પ્રદર્શનમાં ભારત વિરોધી, હિંદુ વિરોધી ભાષણો કરવામાં આવ્યા. આ જ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઝોહરાન મમદાની પણ પહોંચ્યા હતા. જ્યારે મમદાની આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા તો તેમને અલગથી ભાષણ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમનું આ ભાષણ રેકોર્ડ પણ થઈ રહ્યુ હતુ. તેમના આ ભાષણ દરમિયાન તેમની બરાબર પાછળની બાજુ હિંદુઓને સતત અપશબ્દો કહેવામાં આવી રહ્યા હતા. પરંતુ મમદાનીને તેનાથી કોઈ ફર્ક ન પડ્યો. હિંદુઓ માટે કહેવાતા એ અપશબ્દો સામે મમદાનીએ કોઈ જ આપત્તિ સુદ્ધા દર્શાવી ન હતી, ન તો તેમને અટકાવ્યા હતા. માઈક લગાવીને પ્રદર્શનમાં આવેલા ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાનીઓ હિંદુઓને અપશબ્દો બોલી રહ્યા છે અને મમદાનીને તેનાથી કોઈ જ ફર્ક પડતો ન દેખાયો. મમદાનીનો આ એન્ટી હિંદુ અને એન્ટી ઈન્ડિયા હોવાનો આતો એક નાનકડુ ઉદાહરણ માત્ર છે.
Published On - 8:11 pm, Tue, 4 November 25