
અફઘાન મીડિયા દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા દાવા એ સમયે આવ્યા છે જ્યારે ઇમરાન ખાનની બહેનો — અલીમા, ઉઝમા અને નૂરીન — સતત અદિયાલા જેલ પહોંચે છે છતાં દરેક વખત તેઓને ગેટ પર અટકાવવામાં આવે છે. આ પરિસ્થિતિને કારણે તેમના સમર્થકો જેલની બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર અને જેલ તંત્ર બંને ચુપ્પી ધરાવે છે, જે શંકાને વધુ પ્રબળ બનાવી રહ્યું છે.
આ વચ્ચે પાંચ મોટા સંકેતો બહાર આવ્યા છે જે ઇમરાન ખાન સાથે કંઈક અપ્રિય બનવાની શક્યતાને વધુ મજબૂત બનાવે છે.
માર્ચ 2025માં PIMS હોસ્પિટલની એક ટીમે ઇમરાન ખાનની તબીબી તપાસ કરી હતી, પરંતુ PTIનો દાવો છે કે આ તપાસ બનાવટી હતી. ત્યારબાદ કોઈ પણ વિશ્વસનીય ડોક્ટરને તેમની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં કે તેમને અઠવાડિયામાં બે વાર પરિવાર, વકીલ અને મિત્રો સાથે મળવાની છૂટ આપવામાં આવે, આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું નથી — જે તેમના સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
માર્ચમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટે વકીલોને નિયમિત મુલાકાતની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. છતાં ગયા મહિનાથી તેની સંપૂર્ણ અવગણના કરીને ઇમરાન ખાનની કાનૂની ટીમને મળવાની મનાઈ છે. PTIનો આરોપ છે કે ઇમરાન ખાનની વાસ્તવિક સ્થિતિ છુપાવવામાં આવી રહી છે.
ઇમરાન ખાનની બહેનોને વારંવાર જેલના ગેટ પરથી પાછું મોકલી દેવામાં આવી છે. 25 નવેમ્બરની રાત્રે, ત્રણેય બહેનો સૈંકડો સમર્થકો સાથે જેલની બહાર વિરોધ પર બેસી ગઈ. તેમની બહેન નૂરીન ખાને પંજાબ પોલીસ પર હિંસાનો આરોપ મૂક્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટ્રીટલાઇટ બંધ કરીને ચેતવણી વિના હુમલો કર્યો. નૂરીનનું કહેવું છે કે પોલીસે તેને વાળથી ખેંચીને જમીન પર પછાડી દીધો. અન્ય મહિલાઓને પણ ધક્કો અને થપ્પડ મારવાના અહેવાલો સામે આવ્યા છે.
PTIના નેતાઓ મુજબ ઇમરાન ખાનને કાં તો કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે અથવા તેમને કડક એકાંતમાં રાખવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં તેમના સેલમાંથી ફોટા અને અપડેટ્સ સતત આવતા રહ્યા હતા, પરંતુ હવે ગયા બે અઠવાડિયાથી એક પણ સત્તાવાર માહિતી બહાર આવી નથી — જે રહસ્યને વધુ ઘેરું બનાવે છે.
ઇમરાન ખાનની રહસ્યમય સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે અચાનક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં ISI, લશ્કરી ગુપ્તચર અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે પાકિસ્તાનની સત્તા અને સેના વર્તુળોમાં કંઈક ગંભીર ચાલી રહ્યું હોવાની અટકળો વધી ગઈ છે.