શપથ પહેલા શાહબાઝ શરીફે બતાવ્યો પોતાનો અસલી રંગ, કહ્યું- કાશ્મીરના ઉકેલ પહેલા શાંતિ શક્ય નથી
પાકિસ્તાની મીડિયા અનુસાર, શાહબાઝ શરીફે (Shehbaz Sharif) કહ્યું કે હું દેશમાં એક નવા યુગની શરૂઆત કરીશ અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપીશ. સાથે જ કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરીને પાકિસ્તાનની જનતાને રાહત આપવાનો પૂરો પ્રયાસ કરશે.

શાહબાઝ શરીફ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા અને રાજકીય રીતે મહત્વના પંજાબ પ્રાંતના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમની પાર્ટી પીએમએલ-એન ખાસ કરીને તેના સુપ્રીમો નવાઝ શરીફ વડાપ્રધાન પદ માટે તેમના નામ પર સંમત થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ સંયુક્ત વિપક્ષની બેઠકમાં વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પહેલા શનિવારે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 1951 માં લાહોરમાં પંજાબી ભાષી કાશ્મીરી પરિવારમાં જન્મેલા, શાહબાઝ શરીફે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ સાથે 1980 ના દાયકાના મધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. શાહબાઝ શરીફ વર્ષ 1997માં પહેલીવાર પંજાબના મુખ્યમંત્રી બન્યા, જ્યારે તેમના ભાઈ વડાપ્રધાન હતા.