
અમેરિકાની આ કાર્યવાહીથી રશિયા સહિત અનેક દેશોમાં તણાવ વધ્યો છે, તેવા સમયે ભારત માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, વેનેઝુએલાના તેલ પર અમેરિકાના નિયંત્રણથી ભારતના $1 બિલિયનના બાકી દેવાની ચુકવણી થઈ શકે છે અને અને ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે છે.
PTI ના અહેવાલ મુજબ, વિશ્લેષકો અને ઉદ્યોગજગતના સૂત્રો માને છે કે વેનેઝુએલાના તેલ ક્ષેત્રોને અમેરિકાના નેતૃત્વ હેઠળ આવવા, તેનુ અધિગ્રહણ અથવા પુનર્ગઠનથી ભારતનને સીધો લાભ થઈ શકે છે. તેમાં જણાવાયું છે કે આનાથી લગભગ 1 અબજ યુએસ ડોલર (₹9,000 કરોડથી વધુ) ના લાંબા સમયથી ચાલતા દેવાની પતાવટ થઈ શકે છે. એટલુ જ નહીં અમેરિકાના નિયંત્રણ બાદ તમામ પ્રતિબંધોથી પ્રભાવિત આ લેટિન અમેરિકી દેશમાં ભારત દ્વારા સંચાલિત સેક્ટર્સમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદનમાં તેજી આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે વેનેઝુએલા સામેની કાર્યવાહી વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે યુએસ ઓઇલ કંપનીઓ વેનેઝુએલામાં પ્રવેશ કરશે અને તેના બગડતા તેલ માળખાને સુધારવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. ટ્રમ્પના મતે, “અમે તેલ વ્યવસાયમાં છીએ અને અમે જાણીએ છીએ કે તેલ કંપનીઓ કેવી રીતે નફો કરે છે.”
અહેવાલો દર્શાવે છે કે ભારત એક સમયે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલનો મુખ્ય આયાતકાર હતો. એક સમયે હાઈલેવલ પર દેશમાં દરરોજ 400,000 બેરલથી વધુ તેલ આયાત થતુ હતુ. જો કે, 2020 માં પરિસ્થિતિ બદલાઈ ગઈ, જ્યારે યુએસ પ્રતિબંધો અને તેના જોખમને જોતા આયાત પર બેન લાગી ગયો.
ભારતની અગ્રણી વિદેશી ઉત્પાદક ONGC વિદેશ લિમિટેડ (OVL) પૂર્વી વેનેઝુએલામાં સાન ક્રિસ્ટોબલ તેલ ક્ષેત્રનું સંયુક્ત રીતે સંચાલન કરે છે. યુએસ પ્રતિબંધોને કારણે, 2020 થી તેના સંચાલન અને તેલ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આના કારણે દેશના ભંડાર નિષ્ક્રિય પડ્યા છે અને પેમેન્ટ ફસાયેલા છે.
PTI અનુસાર, આ તમામ સમસ્યાઓને કારણે, વેનેઝુએલાએ પ્રોજેક્ટમાં OVL ના 40% હિસ્સા પર $536 મિલિયનનું ડિવિડન્ડ રોકી દીધું છે, જે 2014 સુધીમાં ચૂકવવાનું હતું. ત્યારથી એટલી જ રકમ બાકી છે. ખાસ વાત એ છે કે ઓડિટ પરવાનગી ન મળવાને કારણે, આ બાકી રકમની પતાવટ થઈ શકી નથી.
Published On - 7:50 pm, Sun, 4 January 26