ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાનો હુમલો કેટલો ઘાતક? હોર્મુઝથી દુનિયાની તેલ સપ્લાય અને ભારત પર શું થશે અસર?

ઈરાનમાં આવેલો કેશમ ટાપુ ભૌગોલિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે હોર્મુઝની સમુદ્રધુની પાસે આવેલો છે. આ એ જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાના મોટા ભાગનો ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો વેપાર થાય છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી અથવા દરિયાઈ અવરજવરમાં વિક્ષેપ સર્જાય તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત રહેતી નથી. ભારત સહિત દુનિયાના અનેક દેશો માટે ઊર્જા સુરક્ષાનું મોટું સંકટ ઊભું થઈ શકે છે.

ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાનો હુમલો કેટલો ઘાતક? હોર્મુઝથી દુનિયાની તેલ સપ્લાય અને ભારત પર શું થશે અસર?
| Updated on: Nov 03, 2026 | 9:38 PM

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ માત્ર બે દેશો વચ્ચેનો સૈન્ય સંઘર્ષ રહ્યો નથી. આ સંઘર્ષની અસર સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી છે. હવે ટ્રમ્પે સંઘર્ષનું કેન્દ્ર ઈરાનના કેશમ ટાપુ અને તેની આસપાસનો દરિયાઈ વિસ્તાર છે.

કેશમ ટાપુ આટલો મહત્ત્વપૂર્ણ કેમ?

ઈરાનનો કેશમ ટાપુ પર્શિયન ગલ્ફમાં આવેલો સૌથી મોટો ટાપુ છે. તેની એક તરફ ઈરાનની મુખ્ય ભૂમિ છે, જ્યારે બીજી તરફ હોર્મુઝની સામુદ્રધુનીનો વ્યૂહાત્મક દરિયાઈ વિસ્તાર આવેલો છે. આ ટાપુનું મહત્ત્વ માત્ર તેના ભૌગોલિક સ્થાનને કારણે નથી, પરંતુ ઈરાનની દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક ગોઠવણમાં પણ તેની ભૂમિકા છે. કેશમની આસપાસનો દરિયાઈ વિસ્તાર ઈરાનને પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુની પર નજર રાખવાની વ્યૂહાત્મક ક્ષમતા આપે છે.

કોઈપણ દેશ માટે આ પ્રકારના વ્યૂહાત્મક ટાપુનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે ત્યાંથી આસપાસના દરિયાઈ માર્ગો, જહાજોની અવરજવર અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. જો આ વિસ્તારમાં સૈન્ય અથડામણ થાય તો તેની અસર માત્ર સ્થાનિક સુરક્ષા સુધી સીમિત રહેતી નથી. આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પરિવહન પણ તેની ઝપેટમાં આવી શકે છે.

હોર્મુઝ એટલે દુનિયાની ઊર્જાની જીવાદોરી

કેશમ ટાપુની ચર્ચા થાય ત્યારે હોર્મુઝની સમુદ્રધુનીનો ઉલ્લેખ જરૂરી બની જાય છે. આ દરિયાઈ માર્ગ પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત અને ઈરાન જેવા મોટા તેલ ઉત્પાદક દેશોમાંથી નિકળતા ક્રૂડ ઓઈલના પરિવહન માટે આ માર્ગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના આંકડા અનુસાર, 2023 અને 2024 દરમિયાન દરરોજ સરેરાશ આશરે 20 મિલિયન બેરલ તેલ અને તેલ ઉત્પાદનો આ સામુદ્રધુનીમાંથી પસાર થતા હતા. આ વૈશ્વિક પેટ્રોલિયમ વપરાશના લગભગ પાંચમા ભાગ જેટલો જથ્થો છે. આ ઉપરાંત લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNGના વૈશ્વિક વેપારનો પણ મોટો હિસ્સો આ માર્ગમાંથી પસાર થાય છે.

આ જ કારણ છે કે હોર્મુઝની સમુદ્રધુનીમાં તણાવ વધે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા જોવા મળી શકે છે. જો આ માર્ગ પર જહાજોની અવરજવર અટકે અથવા જોખમ વધે તો તેલના પુરવઠા પર દબાણ ઊભું થઈ શકે છે. માત્ર વાસ્તવિક સપ્લાયમાં ઘટાડો જ નહીં, પરંતુ પુરવઠો ખોરવાઈ જવાની આશંકા પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારવા માટે પૂરતી બની શકે છે.

અમેરિકાની કાર્યવાહીથી ઈરાન શું કરી શકે?

ઈરાન માટે હોર્મુઝની સામુદ્રધુની એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક શક્તિ છે. ભૂતકાળમાં પણ ઈરાન દ્વારા આ દરિયાઈ માર્ગ બંધ કરવાની અથવા ત્યાંથી પસાર થતાં જહાજો માટે જોખમ ઊભું કરવાની ચેતવણીઓ આપવામાં આવી છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ વધે તો ઈરાન દરિયાઈ માર્ગો, સૈન્ય ઠેકાણાં અને પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને જવાબી કાર્યવાહી કરી શકે છે.

જોકે હોર્મુઝની સામુદ્રધુનીને સંપૂર્ણપણે બંધ કરવી ઈરાન માટે પણ સરળ નિર્ણય નથી. આ માર્ગમાંથી ઈરાનના પોતાના તેલના નિકાસ સહિત અનેક દેશોનો વેપાર થાય છે. લાંબા સમય સુધી દરિયાઈ પરિવહન અટકે તો તેની અસર ઈરાનની અર્થવ્યવસ્થા પર પણ પડશે. આથી કોઈપણ પ્રકારની નાકાબંધી અથવા સૈન્ય કાર્યવાહીનો નિર્ણય ઈરાન માટે પણ આર્થિક અને વ્યૂહાત્મક જોખમોથી ભરેલો રહેશે.

ભારત માટે કેમ વધી શકે છે મુશ્કેલી?

ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકાર દેશોમાં સામેલ છે. દેશની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશી આયાત દ્વારા પૂરો થાય છે. ભારત મધ્ય પૂર્વના દેશો પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે. આથી પર્શિયન ગલ્ફ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાતો કોઈપણ અવરોધ ભારત માટે સીધો પડકાર બની શકે છે.

જો આ વિસ્તારમાં તણાવ વધે અને તેલના જહાજોની અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય તો ભારત સુધી ક્રૂડ ઓઈલ પહોંચાડવાનો ખર્ચ વધી શકે છે. જહાજોના વીમા પ્રીમિયમમાં વધારો, પરિવહન માટે લાંબા દરિયાઈ માર્ગોનો ઉપયોગ અને સપ્લાયમાં વિલંબ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. આ તમામ પરિબળો ભારતની તેલ આયાતના કુલ ખર્ચને અસર કરી શકે છે.

પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘવારી સુધી અસર

ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય તો તેની અસર માત્ર પેટ્રોલ અને ડીઝલ પૂરતી મર્યાદિત રહેતી નથી. પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ પરિવહન, ખેતી, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્રમાં થાય છે. ડીઝલ મોંઘું થાય તો માલસામાનની હેરફેરનો ખર્ચ વધી શકે છે. તેની અસર શાકભાજી, અનાજ, દૂધ સહિત રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે.

આ ઉપરાંત ભારત ખાતરના ઉત્પાદન માટે પણ કુદરતી ગેસ અને ઊર્જા પર નિર્ભર છે. ગેસના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય તો ખાતર ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. પરિણામે ખેતી ક્ષેત્ર પર પણ આડકતરી અસર પડી શકે છે. એટલે મધ્ય પૂર્વમાં ઊર્જા સંકટ સર્જાય તો ભારતના સામાન્ય નાગરિકના ઘરખર્ચથી લઈને ઉદ્યોગો અને ખેતી સુધી તેની અસર જોવા મળી શકે છે.

આ સંકટને પહોંચી વળવા ભારત પાસે શું છે વિકલ્પ?

ભારત માટે સૌથી મોટો પડકાર ઊર્જાના પુરવઠામાં વિવિધતા જાળવવાનો છે. ભારત રશિયા, અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને અન્ય દેશોમાંથી પણ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. આથી મધ્ય પૂર્વના એક જ દરિયાઈ માર્ગ પર સંપૂર્ણ નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક સપ્લાય સોર્સ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

આ ઉપરાંત ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારની વ્યવસ્થા પણ છે. આ ભંડારનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં અચાનક વિક્ષેપ સર્જાય ત્યારે ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી કરવા માટે થઈ શકે છે. જોકે લાંબા સમય સુધી પુરવઠો ખોરવાય તો માત્ર વ્યૂહાત્મક ભંડારના આધારે સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની શકે છે.

આખી દુનિયાની નજર હોર્મુઝ પર

કેશમ ટાપુની આસપાસની કોઈપણ સૈન્ય ગતિવિધિને માત્ર સ્થાનિક ઘટના તરીકે જોવી યોગ્ય નથી. તેની પાછળ હોર્મુઝની સામુદ્રધુનીનું વ્યૂહાત્મક મહત્ત્વ અને વૈશ્વિક ઊર્જા વેપાર જોડાયેલો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો વધુ વિસ્તરે તો તેની અસર આંતરરાષ્ટ્રીય તેલ બજાર, દરિયાઈ પરિવહન, વીમા ખર્ચ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

ભારત માટે આ સ્થિતિ વધુ સંવેદનશીલ છે, કારણ કે દેશની વધતી ઊર્જા જરૂરિયાત અને આયાત પરની નિર્ભરતા તેને આંતરરાષ્ટ્રીય તેલ બજારના ઉતાર-ચઢાવ સામે સંવેદનશીલ બનાવે છે. આખરે સવાલ માત્ર એટલો નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચે શું થાય છે, પરંતુ એ પણ છે કે મધ્ય પૂર્વમાં સર્જાતો આ તણાવ દુનિયાની ઊર્જા વ્યવસ્થાને કેટલી હદે અસર કરે છે. જો હોર્મુઝનો દરિયાઈ માર્ગ જોખમમાં આવે તો તેની અસરથી ભારત પણ અળગું રહી શકે તેમ નથી.

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

 

Follow Us
Loading...
Unable to load recommendations.