
ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નું નામ લીધા વિના વિશ્વ સમક્ષ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. PoKમાં પાકિસ્તાની અત્યાચારોનો પર્દાફાશ કરતી વખતે ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં જે કહ્યું છે, તે તાજેતરના સમયમાં આ અંગે ભારતની ઔપચારિક નીતિનું આગળનું પગલું હોય તેવું લાગે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશ દ્વારા વર્ણવવામાં આવેલા પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં લેવામાં આવેલા વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિ, પાકિસ્તાની સેનાના વડા, જનરલ અસીમ મુનીર માટે છેલ્લી ચેતવણી જેવી છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વિશ્વને સ્પષ્ટપણે કહ્યું છે કે લોકશાહી પાકિસ્તાન માટે ‘પારકો’ વિચાર છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશે, વિશ્વભરના દેશો સમક્ષ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં ભયાનક માનવાધિકારોનું ઉલ્લંઘન કરવાનું બંધ કરે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાને બળજબરીથી જે વિસ્તારોમાં કબજો કર્યો છે, ત્યાંના લોકોએ હવે તેની સેનાના જુલમ, ક્રૂરતા અને શોષણ સામે ખુલ્લેઆમ બળવો શરૂ કર્યો છે. નોંધનીય છે કે PoK માં પાકિસ્તાની શાસન સામે તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે ત્યારે ભારતે આ વલણ અપનાવ્યું છે.
હરીશે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકો ભારતની અજમાવેલી લોકશાહી પરંપરાઓ અને બંધારણીય માળખામાં તેમના મૂળભૂત અધિકારોનો આનંદ માણે છે.” તેમણે ઉમેર્યું, “અલબત્ત, આપણે જાણીએ છીએ કે આ ખ્યાલ પાકિસ્તાન માટે અજાણ્યો છે.” ભારતીય રાજદ્વારીએ ભારપૂર્વક એ વાતને દોહરાવી કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે; અને હંમેશા રહેશે.”
તેમણે કહ્યું, “અમે પાકિસ્તાનને ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારોમાં ગંભીર અને સતત માનવાધિકારોનો ભંગ બંધ કરવા આહ્વાન કરીએ છીએ, જ્યાં લોકો પાકિસ્તાની સૈન્યના કબજા, દમન, ક્રૂરતા અને સંસાધનોના ગેરકાયદેસર શોષણ સામે ખુલ્લેઆમ બળવો કરી રહ્યા છે.” પાકિસ્તાન પ્રત્યે ભારતની નવી વ્યૂહરચના વર્તમાન ભૂરાજનીતિ અનુસાર 80 વર્ષ જૂની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારા માટેના દેશના આહ્વાન દ્વારા પણ ઉજાગર થાય છે.કારણકે દુનિયાએ જોયું છે કે કેવી રીતે આ આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ આતંકવાદને ટેકો આપવા માટે મુઠ્ઠીભર દેશો દ્વારા કરવામાં આવ્યો છે, અને પાકિસ્તાન જેવા આતંકવાદને સમર્થન આપતો દેશ તેનો કેવી રીતે ફાયદો ઉઠાવતો આવ્યો છે.
ભારતીય રાજદ્વારીએ ભલે પીઓકેનું નામ લીધું ન હોય, પરંતુ ત્યાં પાકિસ્તાની સેના સામે તાજેતરના બળવાઓ અને ભારતીય સરકાર અને રાજકીય નેતૃત્વના ઉચ્ચ સ્તરો દ્વારા આ મુદ્દાને સતત ઉઠાવવાથી ખ્યાલ આવે છે કે વિશ્વ બદલાયેલા વાતાવરણ માટે તૈયાર થઈ રહ્યું છે. ગેરકાયદે રીતે કબજે કરાયેલાકાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારો પ્રત્યે હવે આંખ આડા કાન કરવાનું શક્ય રહેશે નહીં! (Input Credit PTI)