Breqaking News : જગત જમાદારની દાદાગીરી, ચાર દેશ સાથે તમામ સંબંધ તોડી નાખવા વેનેઝુએલાને ટ્રમ્પની ધમકી

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કારાકાસમાંથી ઉઠાવી ગયા બાદ, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું છે કે, વેનેઝુએલા ઉત્પાદન થતુ ક્રુડ યુએસએ ને જ વેચવું. આ ઉપરાત વેનેઝુએલા આર્થિક અને સુરક્ષા સહાય માટે જે ચાર રાષ્ટ્ર સાથે સંબંધ રાખી રહ્યું છે તે બંધ કરવા કહ્યું છે.

Breqaking News : જગત જમાદારની દાદાગીરી, ચાર દેશ સાથે તમામ સંબંધ તોડી નાખવા વેનેઝુએલાને ટ્રમ્પની ધમકી
| Edited By: | Updated on: Jan 08, 2026 | 8:23 AM

વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક અને સુરક્ષા સહાય માટે ચીન, રશિયા, ઈરાન અને ક્યુબા પર આધાર રાખતું આવ્યું છે, ખાસ કરીને ચાવેઝ અને માદુરો શાસન દરમિયાન. આ સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખવા એ વેનેઝુએલાની વિદેશ નીતિમાં મોટો ઉલટફેર હશે.

નિકોલસ માદુરોની કારાકાસ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાંથી બંદૂકની અણીએ ધરપકડ કર્યા બાદ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ખૂબ જ ચરમસીમાએ પહોચ્યો છે. આ દરમિયાન, અમેરિકાએ, વેનેઝુએલાને બીજો આદેશ કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે, વેનેઝુએલાએ ચાર દેશો સાથેના સંબંધો ઘટાડવા જોઈએ. આ દેશોમાં ભારતના નજીકના મિત્ર રાષ્ટ્ર રશિયાનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે વેનેઝુએલાના કાર્યકારી નેતા ડેલ્સી રોડ્રિગ્ઝને કડક આદેશ આપ્યો છે કે તેમના દેશે અમેરિકા સાથે તેલ ઉત્પાદનમાં વિશિષ્ટ ભાગીદારી રાખવી જોઈએ. વેનેઝુએલામાં ઉત્પાદીત થતા ક્રૂડના વેચાણમાં અમેરિકાને સૌથી પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. મીડિયા અહેવાલ અહેવાલ મુજબ, અમેરિકાએ એવી પણ માંગ કરી રહ્યું છે કે, વેનેઝુએલા ચીન, રશિયા, ઈરાન અને ક્યુબા સાથેના પોતાના સંબંધો ઘટાડે અને આ દેશોને બાકાત રાખીને તેમની સાથેના તમામ આર્થિક સંબંધો સંપૂર્ણપણે તોડી નાખે.

કેટલાક સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જો વેનેઝુએલા આ શરતો સાથે સંમત થાય છે તો જ તેને વધુ તેલ ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવશે. વ્હાઇટ હાઉસે તાત્કાલિક આ અહેવાલ પર કોઈ ટિપ્પણી કરી નથી. આ માંગણીઓ એવા સમયે આવી છે જ્યારે નિકોલસ માદુરોને યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને ન્યૂયોર્ક લઈ જઈને ત્યાંની કોર્ટમાં નાર્કો ટેરરિઝમ અંગેના કેસની કાર્યવાહી હાથ ધરી છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ડેલ્સી રોડ્રિગ્ઝને જાહેર કરવામાં આવ્યા બાદ, અમેરિકાએ આ આદેશ કર્યાં છે.

વેનેઝુએલા છેલ્લા કેટલાય વર્ષોથી આર્થિક અને સુરક્ષા સહાય માટે ચીન, રશિયા, ઈરાન અને ક્યુબા પર આધાર રાખતું આવ્યું છે, ખાસ કરીને હ્યુગો ચાવેઝ અને નિકોલસ માદુરોના શાસનકાળ દરમિયાન. આ સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખવા એ વેનેઝુએલાની વિદેશ નીતિમાં મોટો ઉલટફેર હશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ગત મંગળવારે સાંજે જાહેરાત કરી હતી કે, વેનેઝુએલા યુએસને 30 થી 50 મિલિયન બેરલ તેલ આપશે, જે વર્તમાન બજાર ભાવે આશરે $2.8 બિલિયનનું હોઈ શકે છે. તેમણે જાહેરાત કરી હતી કે આ તેલ બજાર ભાવે વેચવામાં આવશે અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ બંને દેશોના લાભ માટે કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે વહીવટીતંત્ર આગામી અઠવાડિયે યુએસ તેલ કંપનીઓ સાથે વેનેઝુએલામાં રોકાણો અંગે ચર્ચા કરશે.

વરિષ્ઠ અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા વેનેઝુએલા પર કબજો કરવા માંગતું નથી, પરંતુ ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેઓ દેશના ભવિષ્યને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જેનું ભંડોળ મુખ્યત્વે તેલની આવક દ્વારા પૂરું પાડવામાં આવશે. આ વિકાસ વૈશ્વિક તેલ બજાર અને ભૂ-રાજકીય સંબંધો પર ઊંડી અસર કરી શકે છે, કારણ કે વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે.

અમેરિકા સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ વેનેઝુએલા પર અંકુશ મેળવવા માગે છે. ખાસ કરીને ક્રુડ ઓઈલની જરૂરીયાત પૂર્ણ કરવા માટે અમેરિકાને વેનેઝુએલાની ખાસ જરૂર છે. આ માટે તે વેનેઝુએલાના સત્તાધીશોની ડરાવી ધમકાવીને પોતાનુ કામ કરાવી રહ્યું છે.

 

આ પણ વાંચોઃ Breaking News : નવા જૂનીના એંધાણ! અમેરિકાએ વેનેઝુએલા જઈ રહેલા રશિયન ટેન્કરને કર્યું જપ્ત, જાણો કારણ