
અમેરિકા કોઈ કારણ વગર દુનિયાનો સૌથી અવિશ્વાસુ દેશ નથી. તે એકમાત્ર એવો દેશ છે જે દુશ્મનો તો છોડો મિત્રોને પણ છોડતો નથી. વ્હાઇટ હાઉસ તેના માટે આખી દુનિયામાં કુખ્યાત છે. તાજેતરમાં, જ પોતાને લોકશાહીનો ચેમ્પિયન ગણાવતુ અમેરિકા, પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વને ગળે વળગાડી રહ્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનની કઠપૂતળી લોકશાહી સરકારને છોડીને આતંકવાદનો ચહેરો એવા આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ કરી રહ્યા છે. તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને મુનીરના ઇશારે બે બલૂચ સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા છે, જેની સાથે અમેરિકાને કોઈ લેવાદેવા નથી.
આવી સ્થિતિમાં, હવે એવીઆશંકા સેવાઈ રહી છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર બલૂચ મુદ્દાને લઈને ગમે ત્યારે ભારત પર કીચડ ફેંકી શકે છે. જો કે, એ વાત તો નક્કી છે કે આ આરોપોમાં કોઈ તથ્ય નથી અને તેમના જુઠ્ઠાણાની ભારત પર કોઈ અસર નહીં થાય. પરંતુ, આપણે જોયું છે કે કેનેડામાં ખાલિસ્તાન કેસમાં અમેરિકાની આવી જ સસ્તી રણનીતિએ ભારત સાથેના સંબંધો બગાડ્યા હતા. બાદમાં, અમેરિકા રસ્તામાંથી હટી ગયું પરંતુ જસ્ટિન ટ્રુડોને તેની કિંમત ચૂકવવી પડી અને તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
પાકિસ્તાન પહેલાથી જ કોઈ પુરાવા વિના ભારતને બદનામ કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત તેના દેશમાં બલૂચ બળવાખોરોને પૈસા આપે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને મજીદ બ્રિગેડ પર લાદવામાં આવેલા પ્રતિબંધથી પાકિસ્તાનને આ મુદ્દાને વધારવાની નવી તક મળી છે. હવે તે આ મામલાને વધુ આંતરરાષ્ટ્રીય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવો ભય છે કે અમેરિકા પણ ગમે ત્યારે પાકિસ્તાન સાથે સંમત થઈ શકે છે.
અમેરિકાએ ભારતીય મૂળના નિખિલ ગુપ્તાની પણ આવા જ કેસમાં ધરપકડ કરી છે. અમેરિકાનો દાવો છે કે નિખિલ ગુપ્તાએ ખાલિસ્તાની આતંકવાદી અને તેના નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ ઉપરાંત, અમેરિકાએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય સરકારના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ પણ આ કાવતરામાં સામેલ હતા. અમેરિકાએ જ કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને બીજા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેટલીક માહિતી આપી હતી, જેના આધારે તેમણે આ હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમની પાસે કોઈ પુરાવા નથી.
અનેક રણનીતિક નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, યુએસ વિદેશમંત્રી અણધાર્યા બની ગયા છે. કોઈને ખબર નથી કે ટ્રમ્પ કોઈ દેશ અંગે આગળ શું પગલું ભરવાના છે. ચીનના કિસ્સામાં ટ્રમ્પનો યુ-ટર્ન આખી દુનિયાએ જોયો છે. ટ્રમ્પે ચીન વિરુદ્ધ નિવેદનો આપીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી, આજે ટ્રમ્પે એ જ ચીન સામે શરણાગતિ સ્વીકારી છે. બીજી તરફ જે ભારત ઈન્ડો-પેસેફિક ક્ષેત્રમાં અમેરિકાનો સૌથી નજીકનો મિત્ર અને ચીન વિરુદ્ધ તેનું મુખ્ય હથિયાર હતું, તે ટ્રમ્પના સેકન્ડરી ટેરિફનો સામનો કરી રહ્યુ છે. આવી સ્થિતિમાં, એવી શક્યતા નકારી શકાય નહીં કે ટ્રમ્પ કોઈપણ સમયે પાકિસ્તાનને ખુશ કરવા માટે બલૂચ બળવાખોરોને ભારત સાથે જોડી શકે છે.
Published On - 7:10 pm, Mon, 18 August 25