
દિવાળીના તહેવાર પર ભારતમાં ઘરની બહાર રંગબેરંગી રંગોળી બનાવવાની પરંપરા છે. સામાન્ય રીતે રંગો, ફૂલો, ચોખા અને લોટની મદદથી સુંદર રંગોળી તૈયાર કરવામાં આવે છે. પરંતુ દુબઈમાં દિવાળીની ઉજવણી માટે કંઈક એવું અનોખું કરવામાં આવ્યું છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અહીં રંગોની જગ્યાએ અસલી સોનાના ઘરેણાં અને હીરાનો ઉપયોગ કરીને વિશાળ અને ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દુબઈના જાણીતા સિટી સેન્ટર દેઇરા મોલમાં દિવાળીના ખાસ અવસર પર આ અનોખી રંગોળી બનાવવામાં આવી છે. તેની ભવ્યતા અને ચમક લોકોને આકર્ષી રહી છે. આ રંગોળી તૈયાર કરવા માટે અંદાજે 6.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 213થી વધુ સોનાના હાર, ભારે બંગડીઓ, ઝૂમખાં અને પેન્ડન્ટ્સને સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે.
આ રંગોળીની સુંદરતામાં વધારો કરવા માટે તેમાં 380 કેરેટથી વધુ અસલી હીરા પણ જડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અનોખી કલાકૃતિ તૈયાર કરવા માટે 10 કુશળ કારીગરોએ સતત 16 કલાક સુધી મહેનત કરી હતી. દરેક ઘરેણાંને હાથથી ગોઠવીને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
આ રંગોળીનો વીડિયો dubaifestivals નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને જાહેર સ્થળે આટલું બધું સોનું અને હીરા ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવ્યા હોવાને કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક લોકો આ કળાકૃતિને દિવાળીની ભવ્ય ઉજવણી ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. રંગો અને ફૂલોથી બનતી પરંપરાગત રંગોળીને બદલે સોના અને હીરાથી તૈયાર થયેલી આ રંગોળીએ દિવાળીની ઉજવણીને એક નવો અને શાહી અંદાજ આપ્યો છે. હાલ આ અનોખી રંગોળી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.