Russia Ukraine Crisis: રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે હાલ સંઘર્ષ ચાલી રહ્યુ છે. રશિયા સતત બોમ્બમારો કરી રહ્યું છે, જેના કારણે યુક્રેનમાં ગભરાટનો માહોલ છે. આ દરમિયાન યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી નઈમ મુસ્તફાએ (Nayem Mustafa) TV9 Bharatvarsh સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે.
તેમણે કહ્યું કે, યુક્રેનની (Ukraine) સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રશિયા યુક્રેનની રાજધાની કિવમાં સતત બોમ્બ વરસાવી રહ્યું છે. દરરોજ 100 થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. સાથે જ તેણે કહ્યુ કે, ભારત (India) આઝાદીનું મૂલ્ય સમજે છે અને જાણે છે કે સ્વતંત્રતા કેવી રીતે મેળવવી. અમને આશા છે કે ભારત અમારું સમર્થન કરશે. રશિયન સેના અમારા કરતા વધુ શક્તિશાળી છે. તમને જણાવી દઈએ કે,રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં હુમલો કર્યો હતો અને આજે હુમલાનો 11મો દિવસ છે. આ દરમિયાન યુક્રેનના ઘણા શહેરો બરબાદ થયા છે અને લાખો લોકો દેશ છોડીને અન્ય દેશોમાં શિફ્ટ થયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, રશિયન હુમલાને કારણે મધ્ય-પશ્ચિમ ક્ષેત્રની રાજધાની વિનિત્સાનુ એરપોર્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયુ છે. ઉપરાંત તેણે અન્ય દેશોને યુક્રેન પર નો-ફ્લાઇટ ઝોન લાદવા માટે પણ જણાવ્યુ છે. તમને જણાવી દઈએ કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઘણા પશ્ચિમી દેશોએ યુક્રેનને શસ્ત્રોના કન્સાઇનમેન્ટને ટેકો આપ્યો છે, પરંતુ તેઓએ સૈનિકો મોકલ્યા નથી.
ઝેલેન્સકીએ રવિવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “દુનિયા અમારી એરસ્પેસ બંધ કરવા માટે મજબુત છે.” બીજી તરફ NATO દેશોએ યુક્રેનને નો-ફ્લાય ઝોન (No Fly Zone) બનાવવાનો ઇનકાર કર્યો છે. જો નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે, તો તે તમામ અનધિકૃત વિમાનોને યુક્રેનની ઉપરથી ઉડતા અટકાવશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) શનિવારે કહ્યું હતું કે, યુક્રેન પર નો-ફ્લાય ઝોનની કોઈપણ ત્રીજા પક્ષની જાહેરાતને તેઓ ‘સશસ્ત્ર સંઘર્ષમાં ભાગીદારી’ તરીકે ધ્યાનમાં લેશે.
શનિવારે રશિયન સેનાએ ક્રેમેટોર્સ્ક, ડોનેટ્સકમાં મોટા પાયે હવાઈ હુમલો કર્યો હતો. રશિયન સેનાના નિશાન પર યુક્રેનના લશ્કરી થાણા હતા, જે રશિયન સેનાને આગળ વધતા રોકી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુક્રેને લુહાન્સ્કમાં રશિયન કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં ઘણા રશિયન સૈનિકોના પણ મોત થયા હતા. આ ઉપરાંત રશિયા ખાર્કિવમાં તબાહી મચાવી રહ્યું છે. શહેરમાં સરકારી ઈમારતો, શાળાઓ અને મકાનો ધરાશાયી થયા છે.