Breaking News : સસ્પેન્સ ખતમ, ઈમરાનખાન જીવે છે, 28 દિવસ બાદ અદિયાલા જેલમાં ઈમરાનખાન સાથે બહેન ઉઝમાની થઈ મુલાકાત

ઈમરાન ખાનની બહેન છેલ્લે 4 નવેમ્બરે ઈમરાન ખાનને મળી હતી ત્યારથી, કોઈને પણ ઈમરાનખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી, ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. આ લોકજૂવાળ ફાટી નીકળતા, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનની બહેનને જેલની અંદર મળવાની પરવાનગી આપી હતી.

Breaking News : સસ્પેન્સ ખતમ, ઈમરાનખાન જીવે છે, 28 દિવસ બાદ અદિયાલા જેલમાં ઈમરાનખાન સાથે બહેન ઉઝમાની થઈ મુલાકાત
| Edited By: | Updated on: Dec 02, 2025 | 6:54 PM

ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાતૂન રાવલપિંડીની અદિયાલા જેલમાં તેમને મળી હતી. આશરે 20 મિનિટની મુલાકાત પછી, તે જેલમાંથી બહાર આવી હતી અને ઇમરાનના સ્વાસ્થય તેમજ તેની હયાતી વિશે માહિતી આપી હતી. ઉઝમાએ કહ્યું કે ઇમરાન ખાનની તબિયત સારી છે, પરંતુ તેમને એકાંતમાં રાખવામાં આવ્યા છે. જેલમાં ઇમરાનખાનને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. ઇમરાનના સ્વાસ્થ્ય અંગે છેલ્લી માહિતી 4 નવેમ્બરના રોજ મળી હતી, જ્યારે તે તેની બહેન અલીમા સાથે મુલાકાત કરી હતી.

ઉઝમા આઝમીને જ અદિયાલા જેલમાં મળવાની છૂટ

ઈમરાન ખાનની બહેન છેલ્લે 4 નવેમ્બરે ઈમરાન ખાનને મળી હતી ત્યારથી, કોઈને પણ ઈમરાનખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી, ઈમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા. આ લોકજૂવાળ ફાટી નીકળતા, પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનની બહેનને જેલની અંદર મળવાની પરવાનગી આપી હતી.ઈમરાન ખાનની મુલાકાત અંગે એક મહિનાના ભારે હોબાળા પછી, પાકિસ્તાની સરકાર બેકફુટ પર આવી ગઈ છે. આજે મંગળવારે, પંજાબ સરકારે ઈમરાન ખાનને તેમની બહેનને મળવાની પરવાનગી આપી હતી. આ જાહેરાત પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કરી હતી, જે વડા પ્રધાન શાહબાઝ શરીફની ભત્રીજી પણ છે.

પીટીઆઈ સમર્થકોના મતે, ફક્ત ઉઝમા આઝમીને જ અદિયાલા જેલમાં ઈમરાન ખાનને મળવાની પરવાનગી આપવામાં આવી હતી. સરકારી પરવાનગી મળ્યા બાદ, ઉઝમા આઝમી તેના ભાઈ ઈમરાનખાનને મળવા જેલની અંદર ગઈ હતી. ઈમરાન ખાનના પુત્ર કાસિમના મતે, તેમના પિતાને જેલમાં ફાંસીના માંચડે ચડાવવાની તૈયારીમાં છે.

જેલની બહાર હજારો સમર્થકો એકઠા થયા

મંગળવારે ઇમરાન ખાનને મળવા માટે હજારો સમર્થકો અદિયાલા જેલની બહાર એકઠા થયા હતા. પોલીસ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે અનેક સ્થળોએ અથડામણ જોવા મળી હતી. સમર્થકોએ “ઇમરાનને મુક્ત કરો” અને “ઇમરાન ઝૂકશે નહીં” જેવા નારા લગાવ્યા હતા.

ઇમરાનની બહેનોએ ગયા અઠવાડિયે આ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ઇમરાનખાનની બહેન આલીમાના જણાવ્યા અનુસાર, જેલ પ્રશાસન તેના ભાઈના કેસમાં કોર્ટનો તિરસ્કાર કરી રહ્યું છે. પીટીઆઈ સમર્થકોના વિરોધ પ્રદર્શનના જવાબમાં ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં બે અઠવાડિયા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પાકિસ્તાનને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા અને વાંચવા માટે અહીં ક્લિક કરો.