Srilanka: શ્રીલંકા (Srilanka)ની સંસદના અધ્યક્ષ મહિન્દા અભયવર્દનેએ સોમવારે જણાવ્યું હતું કે તેમણે મુખ્ય બંધારણીય સુધારાઓ પર ચર્ચા કરવા ગુરુવારે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. શ્રીલંકાની મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જાના બલવેગયા (SJB)એ દેશમાં રાષ્ટ્રપતિ પ્રણાલીને નાબૂદ કરવાની જોગવાઈઓ સાથે બંધારણીય સુધારો બિલ રજૂ કર્યું છે. વિપક્ષે 1978થી દેશમાં રાષ્ટ્રપતિ શાસન (Presidential Rule) નાબૂદ કરીને બંધારણીય લોકશાહીની પુનઃસ્થાપનાની માંગ કરી છે. SJBએ ગુરુવારે બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું, જેમાં રાષ્ટ્રપતિ શાસનની પ્રણાલીને નાબૂદ કરવા સહિત અન્ય ઘણી જોગવાઈઓ પણ છે.
શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા પછીના ઈતિહાસમાં અભૂતપૂર્વ આર્થિક અને ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં ઈંધણના ભાવ આસમાને છે. શ્રીલંકામાં લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની પાર્ટી શ્રીલંકા પોદુજાના (પેરામુના)ની આગેવાની હેઠળની સરકારના રાજીનામાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.
શ્રીલંકાની કટોકટી દરમિયાન ભારત તેના પાડોશી દેશનો સૌથી મોટો મદદગાર બનીને ઉભરી આવ્યો છે. સંકટની આ ઘડીમાં ભારતે શ્રીલંકાને અલગ-અલગ વસ્તુઓમાં 2.4 બિલિયન ડોલરની સહાય આપી છે. બીજી તરફ શ્રીલંકાએ વર્તમાન પરિસ્થિતિ બાદ ચીન પાસે મદદ માંગી છે. ચીને ગયા શુક્રવાર સુધી શ્રીલંકાને ઈમરજન્સી માનવતાવાદી સહાય તરીકે 31 મિલિયનની સહાય મોકલી છે. આ ભારતની મદદના માત્ર 2 ટકા છે. ચોંકાવનારી વાત એ છે કે શ્રીલંકાએ ચીન પાસે 2.5 અબજ ડોલરની મદદ માંગી હતી, જ્યારે તેને બહુ ઓછી મળી.
ભારતમાં ઘણા લોકો તેને એક મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રસંગ માની રહ્યા છે. ઘણા નિષ્ણાતોએ સરકારને એવો અભિપ્રાય આપ્યો છે કે શ્રીલંકાની વર્તમાન સ્થિતિનો ફાયદો ઉઠાવીને ચીનને ત્યાંથી હટાવવાની વધુ સારી તક છે.
આ પણ વાંચો :