શ્રીલંકામાં (Sri Lanka) ઈમરજન્સી જાહેર કરાયા પછી ઘણા શહેરોમાં સ્થિતિ વણસી ગઈ છે. શ્રીલંકાના કેટલાક શહેરોમાં હિંસાની (Sri Lanka Violence) ઘટનાઓ પણ નોંધાઈ છે, જેમાં 8 લોકોના મોત થયા છે. શ્રીલંકામાં પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેની (Mahinda Rajapaksa) ધરપકડની માંગ વધી રહી છે. આ બધાની વચ્ચે મંગળવારે ભારતે શ્રીલંકાની સ્થિતિ (Sri Lanka Crisis) પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે પાડોશી તરીકે ભારત લોકશાહી, સ્થિરતા અને આર્થિક સ્થિતિને પાટા પર લાવવાનું સંપૂર્ણ સમર્થન કરે છે અને નેબરહુડ ફર્સ્ટની નીતિને ધ્યાનમાં રાખે છે. શ્રીલંકાને ભારતની સહાયતા પર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિને ધ્યાનમાં રાખીને ભારતે આ વર્ષે જ શ્રીલંકાના લોકોને તેમની વર્તમાન મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરવા માટે $ 3.5 બિલિયનની સહાયતા કરીને મદદ મોકલવામાં આવી છે.
આ ઉપરાંત ભારતના લોકોએ ખોરાક, દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછતને દૂર કરવામાં પણ મદદ કરી છે. અગાઉ, ઉત્તર-પશ્ચિમ પ્રાંતના કુરુનેગાલા શહેરમાં શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના નિવાસસ્થાને આગ લગાડવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ આ કરવામાં આવ્યું હતું.
ઈન્ટર-યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશન (IUSF) સહિત મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને શ્રીલંકાના પોદુજાના પેરામુનાના સાંસદો પર હુમલો કર્યો. શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP)ની કેટલીક ઓફિસોને પણ સળગાવી દેવામાં આવી હતી.
સમગ્ર ટાપુ પર કર્ફ્યુ હોવા છતાં શાંતિ જાળવવા માટે સેનાને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવી છે. શ્રીલંકા આઝાદી પછી તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ખોરાક અને ઈંધણની અછત, વધતી કિંમતો અને પાવર કટથી પ્રભાવિત છે, પરિણામે સરકાર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા સામે સામૂહિક વિરોધ પ્રદર્શનો થયા છે.
શ્રીલંકામાં છેલ્લા મહિનાથી વસ્તુઓની વધતી કિંમતો અને પાવર કટને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શ્રીલંકા 1948માં બ્રિટિશ શાસનથી આઝાદ થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઉભી થઈ છે, જેના કારણે દેશ મુખ્ય ખાદ્ય ચીજો અને ઈંધણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે.
સોમવારે વિરોધ પ્રદર્શને ખૂબ જ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મંગળવારે શ્રીલંકામાં સરકાર તરફી સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની અથડામણમાં મૃત્યુઆંક વધીને આઠ થયો હતો અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે મહિન્દા રાજપક્ષેએ સોમવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.