રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને બંને પક્ષોએ એકબીજાને ભારે નુકસાનનો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) દ્વારા હુમલાની જાહેરાત બાદ યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું હતું. આ પછી રશિયન સૈનિકોએ યુક્રેન તરફ આગળ વધવાનું શરૂ કર્યું. યુક્રેનના બોર્ડર ગાર્ડે (Border Guard) કહ્યું છે કે રશિયન ભૂમિ દળોએ યુક્રેનમાં અનેક દિશાઓથી હુમલો કર્યો છે. રશિયન ટેન્કો અને અન્ય ભારે સાધનો કેટલાક ઉત્તરીય પ્રદેશો તેમજ દક્ષિણમાં ક્રિમીઆ (Crimea) માંથી યુક્રેનમાં પ્રવેશ્યા હતા. આ પછી બંને પક્ષના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
યુક્રેને દેશમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્શલ લો (Marshal Law in Ukraine) લાગુ કર્યો છે. આ ઉપરાંત લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. પૂર્વી યુક્રેનના ઘણા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સૈનિકોને પૂર્વ દિશામાં મોકલવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું છે કે તે યુક્રેનને તમામ મદદ કરશે. યુરોપિયન યુનિયન એવિએશન સિક્યોરિટી એજન્સી (EASA) એ તમામ ‘એર ઓપરેટર્સ’ને યુક્રેનિયન એરસ્પેસમાં નાગરિક વિમાનોને જોખમ અંગે ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે હવે આ વિસ્તાર સંઘર્ષ ક્ષેત્ર બની ગયો છે.
રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ અંગે યુક્રેનના સીમા રક્ષકોએ કહ્યું કે સરહદમાં ઘૂસણખોરી દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. યુક્રેનના આંતરિક મંત્રાલયના સલાહકારે જણાવ્યું હતું કે રશિયન ગોળીબારના પરિણામે ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું છે કે યુક્રેનની સેના ભીષણ યુદ્ધ લડી રહી છે. અમે આ યુદ્ધમાં કેટલાક લોકોને ગુમાવ્યા છે. પરંતુ ઘણી જગ્યાએ અમે રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો છે.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયા મુખ્યત્વે લશ્કરી માળખાને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે હુમલામાં અનેક ચેકપોસ્ટ અને સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા છે. રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.
યુક્રેનના જનરલ સ્ટાફે દાવો કર્યો છે કે તેમણે ખાર્કિવમાં રશિયન ટેન્કોનો નાશ કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેઓએ છ રશિયન ફાઇટર જેટ અને બે હેલિકોપ્ટરને ઠાર માર્યા છે. યુક્રેનિયન સૈનિકોએ લુહાન્સ્ક ક્ષેત્રના શચાસ્ટિયા શહેર પર રશિયાના હુમલાને નિષ્ફળ બનાવ્યો. કિવ પોસ્ટ અનુસાર, દુશ્મનના હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે અને લગભગ 50 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય ઘણી રશિયન ટેન્કોને નુકસાન પહોંચાડ્યું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ