Pakistan : ઈમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનની બાગડોર સંભાળી શકે છે શાહબાઝ શરીફ, જાણો કોણ છે આ વ્યક્તિ ?

આ પહેલીવાર નથી કે જ્યારે કાર્યકાળ પૂરો કરતા પહેલા જ PMની ખુરશી જતી રહી હોય. પાકિસ્તાનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન છે, તેમાંથી કોઈ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

Pakistan : ઈમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનની બાગડોર સંભાળી શકે છે શાહબાઝ શરીફ, જાણો કોણ છે આ વ્યક્તિ ?
Shehbaz Sharif (File Photo)
| Edited By: | Updated on: Mar 31, 2022 | 1:19 PM

Pakistan :  પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ (Pakistan Political Crisis) વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનની (PM Imran Khan) ખુરશી જવાનુ લગભગ નિશ્ચિત છે. અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ ઈમરાન ખાન રાજીનામું આપી દેશે તેવા અહેવાલો મળી રહ્યા છે. ઈમરાનનો દાવો છે કે તેમની સરકારને(Imran Government)  તોડવાના કાવતરામાં વિદેશી દળોનો હાથ છે.તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનના વડા પ્રધાન તરીકેના કાર્યકાળને લગભગ 3 વર્ષ અને 10 મહિના થઈ ગયા છે અને આવું પહેલીવાર નથી થઈ રહ્યું કે કાર્યકાળ પૂરો કરતા પહેલા કોઈ વડા પ્રધાનની ખુરશી હાથમાંથી જતી રહી હોય.

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે શાહબાઝ

પાકિસ્તાનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન છે, તેમાંથી કોઈ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.જો કે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની ચર્ચા થઈ રહી છે. તેમને ‘પાકિસ્તાનના આગામી વડાપ્રધાન’ કહેવામાં આવી રહ્યા છે. શાહબાઝ શરીફે થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં પાકિસ્તાની સેના કોઈનો પક્ષ લઈ રહી નથી.ઉલ્લેખનીય છે કે, શાહબાઝ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે તેમને PM નો પ્રોટોકોલ આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

શાહબાઝ એક કાર્યક્ષમ વહીવટકર્તા

પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ એક કાર્યક્ષમ વહીવટકર્તા તરીકે જાણીતા છે. હાલમાં તેઓ પાકિસ્તાનમાં વિપક્ષના નેતા છે અને ઘણા મુદ્દાઓ પર ઈમરાન સરકારની ટીકા કરતા જોવા મળે છે. તેઓ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ફેબ્રુઆરી 1997માં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ઓક્ટોબર 1999 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. આ પછી તેઓ જૂન 2008 થી માર્ચ 2013 સુધી બીજી વખત અને પછી 2013 થી 2018 સુધી ત્રીજી વખત પંજાબ પ્રાંતનામુખ્યમંત્રી રહ્યા.

બિઝનેસમેન તરીકે કારકિર્દીની શરૂઆત કરી

શાહબાઝ શરીફે લાહોર ગવર્નમેન્ટ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એક બિઝનેસમેન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તેમનો પારિવારિક વ્યવસાય સંભાળ્યો અને 1985માં તેઓ લાહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ બન્યા. જોકે બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા હતા. 1987-88થી તેમણે સક્રિય રાજકારણ શરૂ કર્યું. તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેઓ 1988 થી 1990 સુધી પંજાબ વિધાનસભાના સભ્ય હતા, જ્યારે શાહબાઝ 1990 થી 1993 સુધી નેશનલ એસેમ્બલીના સભ્ય પણ હતા.

 

આ પણ વાંચો : PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું

Published On - 1:13 pm, Thu, 31 March 22