
યમનના મુકલ્લા બંદર પર સાઉદી અરેબિયાએ કરેલા હવાઈ હુમલાથી મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધ્યો છે. સાઉદી અરેબિયાએ, હવાઈ હુમલાની સાથેસાથે યુએઈ પર યમનના અલગતાવાદી જૂથ એસટીસીને ઘાતક શસ્ત્રો પૂરા પાડવાનો આરોપ લગાવ્યો છે. જો કે, યમન પરના હવાઈ હુમલા અને પોતાના ઉપર કરાયેલા આક્ષેપ બાદ પણ યુએઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. યમનમાં તણાવ વચ્ચે યુએઈએ સાઉદી અરેબિયાની સુરક્ષા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે તે બંદર શહેર મુકલ્લા પર સાઉદી અરેબિયાના હવાઈ હુમલા બાદ યમનમાંથી પોતાની બાકી રહેલી સેના પાછી ખેંચી લેશે.
યુએઈએ, સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના (STC) નામે ઓળખાતા અલગતાવાદીઓને ટેકો આપવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેણે સાઉદી અરેબિયા પ્રત્યે સુરક્ષાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. યુએઈએ જણાવ્યું હતું કે, તેણે યમનમાં તેના આતંકવાદ વિરોધી એકમોના મિશનને સ્વેચ્છાએ સમાપ્ત કરી દીધું છે. હાલની ઘટનાઓના મૂલ્યાંકન બાદ યુએઈ એ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. 2019 માં યમનમાંથી દળો પાછા ખેંચાયા પછી સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના (STC) આતંકવાદ વિરોધી એકમો દેશની એકમાત્ર બચેલ લશ્કરી દળ ગણાય છે.
દરમિયાન, સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) એ યમનની પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના વડા રશાદ અલ-અલીમી પર તેમની સત્તાનો દુરુપયોગ કરવાનો અને પ્રેસિડેન્શિયલ લીડરશીપ કાઉન્સિલ સામે બળવો કરવાનો આરોપ લગાવ્યો છે. STC એ જણાવ્યું હતું કે UAE સાથે સંયુક્ત સંરક્ષણ કરાર રદ કરવાનો અલ-અલીમીનો નિર્ણય તેમની સત્તાની બહાર હતો.
સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલે જણાવ્યું હતું કે, અલ-અલીમી પાસે UAE સાથે કરાર રદ કરવાનો કોઈ અધિકાર નથી. તાલીમમાં અમીરાતી દળોની મર્યાદિત ભૂમિકા છે. તેઓએ ચેતવણી આપી હતી કે અલ-અલીમીનો નિર્ણય પરિસ્થિતિને વધુ વણસાવી શકે છે.
સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, મુકલ્લા બંદર પર પહોંચેલા બે જહાજો UAE ના ફુજૈરા બંદરથી આવ્યા હતા. તેમની ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી, જેનાથી શંકા ઉભી થઈ હતી. જહાજોમાંથી મોટી માત્રામાં શસ્ત્રો અને લશ્કરી વાહનો ઉતારવામાં આવી રહ્યા હતા. આ શસ્ત્રો દક્ષિણ યમનમાં કાર્યરત STC ને સોંપવાના હતા.
સાઉદી અરેબિયાનો દાવો છે કે, આ શસ્ત્રો યમનમાં શાંતિ અને પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે. યમનની અલગતાવાદી સંસ્થા સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ દક્ષિણ યમન માટે એક અલગ દેશ સ્થાપિત કરવા માગે છે. સાઉદી અરેબિયા અને UAE, છેલ્લા ઘણા લાંબા સમયથી યમનના યુદ્ધમાં સાથી રહ્યા છે. જો કે, તાજેતરના વર્ષોમાં, તેમના હિતો અલગ થઈ ગયા છે.
દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો