Breaking News: યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી ‘મોટો હુમલો’, 1500 કિમી દૂર રશિયન તેલના ભંડારને ડ્રોનથી ફેરવી નાખ્યો ‘રાખમાં’

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેને રશિયાની સરહદથી 1500 કિમી અંદર ઘૂસીને તેના એક મોટા ઓઈલ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી છે.

Breaking News: યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 1500 કિમી દૂર રશિયન તેલના ભંડારને ડ્રોનથી ફેરવી નાખ્યો રાખમાં
| Updated on: Apr 29, 2026 | 8:08 PM

રશિયામાં આવેલા એક ઓઈલ પ્લાન્ટમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે, આ તેમના દેશ દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી લાંબા અંતરનો ડ્રોન હુમલો છે. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓઈલ પ્લાન્ટ રશિયાના પર્મ (Perm) વિસ્તારમાં આવેલો છે, જે યુરાલ પર્વતમાળાના ક્ષેત્રમાં છે અને યુક્રેનથી 1,500 કિલોમીટર (900 માઈલ) કરતા પણ વધુ દૂર છે. કેટલાક અહેવાલોમાં આ પ્લાન્ટને ‘પમ્પિંગ સ્ટેશન’ અને સ્ટોરેજ કોમ્પ્લેક્સ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

લાંબા અંતર સુધી હુમલો કરવામાં ‘કિવ’ સક્ષમ

પર્મ ક્ષેત્રના ગવર્નર દિમિત્રી માખોનિને માત્ર એટલું જ જણાવ્યું હતું કે, એક ડ્રોને સ્થાનિક ઔદ્યોગિક સંકુલ પર હુમલો કર્યો હતો, જેના કારણે ત્યાં આગ લાગી હતી. રશિયન અધિકારીઓ યુક્રેનના તે દાવાઓ પર ખુલીને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. આમાં કીવનું કહેવું છે કે, તે હવે વધુ લાંબા અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે અને તેના સ્વદેશી ડ્રોન સતત વધુ સચોટ બની રહ્યા છે. બંને દેશો વચ્ચેના યુદ્ધમાં એડવાન્સ ડ્રોન ટેકનોલોજી એક મહત્વનું અને નિર્ણાયક પરિબળ બની ગઈ છે.

ઝેલેન્સ્કીએ શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો, જેમાં શહેરની નજીક આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટપણે એમ નહોતું કહ્યું કે, આ વીડિયો પર્મમાં થયેલા હુમલાનો છે કે અન્ય કોઈ સ્થળનો. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, યુક્રેન તેના લાંબા અંતરના હુમલાઓનો વ્યાપ સતત વધારી રહ્યું છે. તેમણે આને રશિયાની યુદ્ધ લડવાની ક્ષમતાને મર્યાદિત કરવાના પ્રયાસોનો એક નવો તબક્કો ગણાવ્યો હતો, જેથી રશિયાને તેની મહત્વની તેલની આવકથી વંચિત રાખી શકાય. ઝેલેન્સ્કીએ હુમલાઓની વધતી સચોટતા માટે યુક્રેનની સુરક્ષા સેવાઓનો આભાર માન્યો અને કહ્યું કે, “સીધી રેખામાં અંતર 1,500 કિમીથી વધુ છે. અમે આ મર્યાદાઓને હજુ આગળ વધારતા રહીશું.”

યુક્રેન સતત કરી રહ્યું છે ‘હુમલા’

નોંધનીય છે કે, કાળા સમુદ્રમાં સ્થિત ‘તુઆપ્સે’ ઓઈલ રિફાઈનરી અને ટર્મિનલ પર બે અઠવાડિયા કરતા ઓછા સમયમાં ત્રીજીવાર હુમલો થયાના બરાબર એક દિવસ પછી આ હુમલો થયો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે રાતોરાત રશિયન વિસ્તારો અને ક્રિમીઆ પર 98 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. બીજી તરફ, યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલા 171 ડ્રોનમાંથી 154 ડ્રોન તોડી પાડ્યા છે.

બંગાળમાં સત્તા પલટના એંધાણ! એક્ઝિટ પોલમાં ભાજપને 175 બેઠકોનું અનુમાન, TMCમાં ફફડાટ

Published On - 8:05 pm, Wed, 29 April 26

Follow Us
Loading...
Unable to load recommendations.