Russia Ukraine: યુક્રેન (Ukraine)ની નેપ્ચ્યુન એન્ટી શિપ મિસાઈલે (Neptune anti-ship missile) ગુરુવારે રશિયન યુદ્ધ જહાજને નિશાન બનાવ્યું હતું. હુમલાના થોડા કલાકો પછી, રશિયન જહાજ કાળા સમુદ્રમાં ડૂબી ગયું. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને હવે યુદ્ધ 51માં દિવસમાં પ્રવેશી ગયું છે. રશિયન જહાજનું નામ મોસ્કોવા હતું, જે યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું હતું. આ જહાજમાં 500 ક્રૂ મેમ્બર હતા અને હુમલા બાદ જ્યારે તેમાં આગ લાગી ત્યારે તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘તોફાની હવામાનમાં અમારું જહાજ ડૂબી ગયું.’ આવી સ્થિતિમાં વાંચો રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) સાથે જોડાયેલા અપડેટ્સ
યુક્રેનના મીડિયા આઉટલેટ કિવ ઈન્ડિપેન્ડન્ટે એક અમેરિકન રિપોર્ટરને ટાંકીને જણાવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લઈ શકે છે. બુધવારે ખબર પડી કે, અમેરિકા પોતાના ઉચ્ચ અધિકારીઓને યુક્રેનના પ્રવાસ પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
કાળા સમુદ્રમાં ડૂબી રહેલા રશિયાના જહાજમાં પરમાણુ હથિયાર હોઈ શકે છે. મિલિટરી ન્યૂઝ પોર્ટલ ડિફેન્સ એક્સપ્રેસે આ જાણકારી આપી છે. આ જહાજ 16 પી-1000 વલ્કન મિસાઈલ લઈ જઈ શકે છે, જેને પરમાણુ હથિયારોથી સજ્જ કરી શકાય છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, યુક્રેનની રાજધાની કિવમાં સતત જોરથી વિસ્ફોટ અને હવાઈ હુમલાના સાયરન સંભળાઈ રહ્યા છે. આ સિવાય દક્ષિણી શહેર ખેરસનમાં પણ બ્લાસ્ટના અવાજ સંભળાયા છે. ઉપરાંત, પૂર્વીય શહેર ખાર્કીવ અને પશ્ચિમી શહેર ઇવાનો-ફ્રેન્કિવસ્કમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા.
યુનાઇટેડ નેશન્સ માટે યુએસ અને રશિયાના રાજદૂતો ખોરાકની વધતી કિંમતોને લઈને અંદરો અંદર ઝગડો થયો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે ઘઉંના ભાવમાં વધારો અને યુક્રેનથી આયાતના અભાવથી યમન સૌથી વધુ પ્રભાવિત થયું છે. આના પર, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના ડેપ્યુટી એમ્બેસેડર, દિમિત્રી પોલિઆન્સકીએ કહ્યું, જો તમે ખરેખર વિશ્વને ખાદ્ય સંકટથી બચવા માટે મદદ કરવા માંગતા હો, તો તમારે એ પ્રતિબંધો દુર કરવા જોઈએ જે તમે લગાડ્યા છે
રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદથી 50 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે. સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે માહિતી આપી છે. જેના કારણે વિશ્વમાં નવા શરણાર્થી સંકટનો ખતરો ઉભો થયો છે.
યુએસ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) અનુસાર, યુક્રેનમાં મળી રહેલા હારને ધ્યાનમાં રાખીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ હથિયારોનો સહારો લઈ શકે છે. CIAના ડિરેક્ટર વિલિયમ બર્ન્સે કહ્યું, “રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન નેતૃત્વની સંભવિત હતાશાને જોતાં, આપણામાંથી કોઈ વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો અથવા ઓછી ઉપજ ધરાવતા પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકીને હળવાશથી લઈ શકે નહીં.
મીડિયા અહેવાલો અનુસાર, રશિયાના એક સહયોગીએ નાટોને ચેતવણી આપી છે કે જો સ્વીડન અને ફિનલેન્ડ યુએસની આગેવાની હેઠળના સૈન્ય જોડાણમાં જોડાશે તો રશિયા પરમાણુ હથિયારો તૈનાત કરશે.
એવું લાગે છે કે, યુક્રેનમાં યુદ્ધ અપરાધો વિશે દરરોજ નવી માહિતી સામે આવી રહી છે. કિવ પ્રદેશના પોલીસ વડા આન્દ્રે નૈબિટોવે કહ્યું કે અમને ખૂબ જ દુઃખદ વસ્તુઓ મળી રહી છે. જેમાં તે લોકોના મૃતદેહોનો સમાવેશ થાય છે જેમને પહેલા ટોર્ચર કરવામાં આવ્યા હતા અને પછી ગોળી મારી દેવામાં આવી હતી. આ સિવાય મોર્ટાર અને ગોળીબારના કારણે માર્યા ગયેલા લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.
યુક્રેને કહ્યું છે કે, સાત સપ્તાહના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 19,800 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું.
યુક્રેનને જોડવામાં રશિયાની નિષ્ફળતા પછી, તેણે હવે તેનું ધ્યાન દેશના પૂર્વીય ભાગ તરફ વળ્યું છે. યુક્રેનના પૂર્વીય વિસ્તારોમાં રશિયાનો હુમલો તેજ બન્યો છે.