
વિશ્વભરમાં દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. અત્યાર સુધી હોર્મુઝની સામુદ્રધુનીને સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાં ગણવામાં આવતી હતી, પરંતુ હવે કાળો સમુદ્ર પણ જોખમનું નવું કેન્દ્ર બની રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વાણિજ્યિક જહાજો અને તેમાં કામ કરતા ખલાસીઓ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, આ વર્ષે કાળા સમુદ્રમાં જહાજો પર 570થી વધુ હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. આ હુમલાઓમાં અનેક ખલાસીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ લાપતા છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, કાળા સમુદ્રમાં દરિયાઈ હુમલાઓની વધતી ઘટનાઓ વૈશ્વિક વેપાર માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, 300થી વધુ હુમલાઓમાં 30થી વધુ ખલાસીઓનાં મોત થયાં છે અને આશરે 20 લોકો હજુ ગુમ છે. બીજી તરફ, મધ્ય પૂર્વમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આશરે 130 હુમલાની ઘટનાઓ સામે આવી છે.
કાળા સમુદ્રમાં વધતા હુમલાની સીધી અસર શિપિંગ વ્યવસાય પર પણ પડી રહી છે. ઓક્ટોબરમાં બોસ્ફોરસ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજોની સંખ્યામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 41 ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન હુમલાઓમાં ભારે વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળામાં દરરોજ સરેરાશ ચારથી વધુ હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી.
આ સંઘર્ષ હવે નાટો દેશોની સુરક્ષા માટે પણ પડકાર બની રહ્યો છે. રશિયન દળો દ્વારા યુક્રેનની ખાદ્ય નિકાસ સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, જ્યારે યુક્રેન દ્વારા રશિયન શિપિંગ સામે ડ્રોન હુમલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોમાનિયાના દરિયાકાંઠા નજીક પણ જહાજો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે, જેમાં ખલાસીઓનાં મોત અને ગુમ થવાના અહેવાલો છે.
કાળો સમુદ્ર યુક્રેનના ઘઉં અને અન્ય કૃષિ પેદાશોની નિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં સુરક્ષાનું જોખમ વધશે તો તેની અસર માત્ર શિપિંગ ઉદ્યોગ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક અનાજ પુરવઠા અને ખાદ્ય બજાર પર પણ પડી શકે છે. હાલની પરિસ્થિતિમાં ખલાસીઓ, જહાજ માલિકો અને વીમા કંપનીઓ માટે જોખમ સતત વધી રહ્યું છે. જો રશિયા-યુક્રેન સંઘર્ષમાં ઘટાડો નહીં થાય, તો કાળો સમુદ્ર આગામી સમયમાં વૈશ્વિક દરિયાઈ વેપાર માટે વધુ મોટો પડકાર બની શકે છે.
Nvidia CEOના બીજા અફેરનો ખુલાસો! કંપનીની VP સાથે સંબંધમાં હોવાનો આરોપ